- ઓછા ખર્ચે પાક ઉત્પાદન વધુ કંઈ રીતે મેળવવું એની પ્રેક્ટિકલ સહિત સમજણ અપાઈ.
દાહોદ, પ્રાકૃતિક કૃષિ એટલે મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે. પ્રાકૃતિક કૃષિના અન્ય સિદ્ધાંતો અને પિયત પદ્ધતિ શીખવવા માટે દાહોદ તાલુકાના જાલત અને બોરખેડા ગામમાં ફાર્મ સ્કૂલ સહિત તાલીમ યોજવામાં આવી હતી.
પ્રાકૃતિક કૃષિમાં પિયત છોડથી થોડે દૂર આપવામાં આવે છે. આમાં માત્ર 10 ટકા પાણીનો ઉપયોગ થાય છે.અને 90 ટકા પાણીની બચત થાય છે. છોડને થોડે દૂર પાણી આપવાથી છોડના મૂળની લંબાઈ વધી જાય છે. મૂળની લંબાઈ વધવાથી છોડના થડની જાડાઈ વધે છે. આ ક્રિયાના કારણે છોડની લંબાઈ પણ વધી જાય છે. આના પરિણામ રૂપે ઉત્પાદન પણ વધી જાય છે.
પ્રાકૃતિક કૃષિમાં છોડની દિશા ઉત્તર-દક્ષિણની હોય છે. જેમાં છોડને સૂર્યપ્રકાશ વધુ સમય મળે છે. બે છોડ વચ્ચેનાં વધારે અંતરના કારણે છોડ વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરે છે. આથી છોડ પર કોઈપણ પ્રકારના કીટકો લાગવાની સંભવાના પણ ઓછી થઈ જાય છે અને છોડમાં પોષક તત્વો પણ સંતુલિત પ્રમાણમાં મળે છે. છોડની દિશા ઉત્તર-દક્ષિણ હોવાથી ઉત્પાદન 20 ટકા વધી જાય છે.
આમ, તાલીમમાં આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે ઓછા ખર્ચે પાક ઉત્પાદન વધુ કંઈ રીતે મેળવવું એની સમજ પ્રેક્ટિકલ સહિત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી હતી.