દાહોદ તાલુકાના ખેંગ ગામ પ્રા.શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂંક રદ કરાઈ

દાહોદ, દાહોદ તાલુકાના ખેંગ ગામે થોડા મહિનાઓ પહેલા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ખેંગ પ્રાથમિક શાળાના સંચાલકની નિમણુંક કરવા માટે મામલતદાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા બાદ 04 અરજદારો દ્વારા અરજી કરતાં જેમાં અન્યને નિમણુંક આપી દેવામાં આવી હતી જેથી એક અરજદાર દ્વારા આ મામલે વાંધો દર્શાવી નિયમોનુસાર પોતાને નિમણુંક ન આપતાં આ મામલે અરજદાર દ્વારા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, દાહોદની કોર્ટમાં અરજી કરતાં પ્રાંત અધિકારી દ્વારા અરજદારની અરજીને તેમજ કાયદાકીય નિયમોને આધારે અરજદારની અરજીને ધ્યાનમાં લઈ ખેંગ પ્રાથમીક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણુંકને રદ્દ કરી પુન: નિમણુંકની કાર્યવાહી કરવામાં આવે તે માટે દાહોદ મામલતદારને હુકમ કર્યાનું જાણવા મળે છે પરંતુ પુન: ભરતી અત્યાર સુધી પણ કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.

ગત તા.25.05.2023ના રોજ દાહોદ મામલતદાર દ્વારા ખેંગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત સંચાલકની નિમણુંક કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા સબબ 04 જેટલા અરજદારોએ સમય મર્યાદામાં અરજી કરી હતી જેમાં ભાનુબેન ગુલીયાભાઈ ઘુઘીયાને સંચાલકતરીકે નિમણુંક કરવામાં આવી હતી. જે નિમણુંકથી નારાજ અરજદાર પરમાર છાયાબેન નરવતસિંહ દ્વારા આ મામલે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, દાહોદની કોર્ટમાં અરજી કરી હતી અને જણાવ્યું હતું કે, પોતે ધોરણ 10 પાસ 57.34 ટકા, ધોરણ 12 પાસ 62.71 ટકા અને બી.એ. પાસ 49.74 ટકા અને પોતેન બીપીએલનો દાખલ પણ ધરાવતા હોઈ પરંતુ તેમ છતાંય નિમણુંક પામનાર ધુંધીયા ભાનુબેન ગુલીયાભાઈ માત્ર 12 પાસ હોઈ અને પોતાના ધોરણ 10 અને ધોરણ 12માં કરતાં પણ ઓછા ટકા હોવાથી તેઓને નિમણુંક આપી દેવામાં આવી હોવાની અરજી પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી જે અરજી જોતા પ્રાંત અધિકારી દ્વારા આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી અને બંન્ને પક્ષોની રજુઆત સાંભળી આખરે નિયમોનું અનુસાર, કાયદા પ્રમાણે નિમણુંક થઈ ન હોવાનું પ્રાંત અધિકારીને જણાતાં આ ખેંગ પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન સંચાલકની નિમણુંક પુન: કરવામાં આવે તે માટે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, દાહોદની કોર્ટ દ્વારા મામલતદારને હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી આ પુન: નિમણુંક ભરતીની પ્રક્રિયા આજદિન સુધી કરવામાં આવી ન હોવાનું પણ જાણળા મળે છે.