દાહોદ, દાહોદ એલ.સી.બી. પોલીસે વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદ તાલુકાના ત્રણ અલગ અલગ સ્થળોએથી રૂા.3,03,930ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી વિગેરે મળી કુલ રૂા.18,31,930નો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગાર ધારાના ગુન્હાઓ શોધી કાઢવા, નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા વિગેરે વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે 24 કલાકની અંદર જુદા જુદા ત્રણ સ્થળોએ પ્રોહી રેડની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં પોલીસે દાહોદ બી ડિવીઝન તથા કતવારા પોલીસ મથક વિસ્તારમાં નાકાબંધી દરમ્યાન હિમાંશુ મણીલાલ રધુનાથ ધોતી (લબાના) (રહે. ઓમકારનગર, મંડાવાવ રોડ, દાહોદ, તા.જી.દાહોદ) નાને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.54 કિંમત રૂા.54,100ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.11,08,110નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે દાહોદ તાલુકાના કતવારા ગામે મંદિર ફળિયામાં રહેતાં રાકેશભાઈ ઈન્દ્રસીંહ કથોટાને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ.162 કિંમત રૂા.1,10,940નો પ્રોહી જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રાહુલ જગદીશભાઈ કલોદા (રહે. મધ્યપ્રદેશ) નાને પણ ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની 984 બોટલો કિંમત રૂા.1,34,880ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.6,44,880નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ત્રણેય બનાવો સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.