દાહોદ, દાહોદ તાલુકાના વાંદરીયા ગામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી 09 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા 16,740 તેમજ 05 મોબાઈલ ફોન અને 05 મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂાપીયા 1,76,740નો મુદ્દામાલ કબજે કરી જુગારીઓને જેલ ભેગા કર્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ વાંદરીયા ગામે કટારા ફળિયામાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા સાહીલભાઇ અનિલભાઇ બબેરીયા, મલુભાઇ વરસીંગભાઇ બીલવાળ, મગંળાભાઇ રૂપનસિંહ પરમાર, અરવીંદભાઇ ટીટાભાઇ કટારા, સધ્ધરાજ પ્રકાશભાઇ પરમાર, મીતેશભાઇ સોમાભાઇ ડામોર, નિશાતંભાઇ યશેશભાઇ પરમાર, કલ્પેશભાઇ ગોપાળદાસ પર્વતીયા, સુનીલભાઇ ભગતનસિંહ બારીયાનાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં અને દાવ પરથી તેમજ તેઓની અંગ ઝડતીમાંથી પોલીસે કુલ રોકડા રૂપીયા 16,740 તેમજ 05 મોબાઈલ ફોન કિંમત રૂા. 25,000 અને 05 મોટરસાઈકલ કિંમત રૂા. 1,35,000 મળી પોલીસે કુલ રૂા. 1,76,740 નો મુદ્દામાલ કબજે કર્યોે હતો.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.