- વન વિભાગની ટીમેં રેસ્ક્યુ હાથ ધરી શિયાળને બહાર કાઢ્યો.
દાહોદ,દાહોદ તાલુકાના ખરેડી ગામે શિકારની શોધમાં માનવ વસાહત તરફ ધસી આવેલો શિયાળ ખેતરમાં આવેલા પાણી ભરેલા કુવામાં ખાબક્યો હતો. જોકે, આસપાસના ભેગા થયેલા લોકોએ શિયાળ અંગેની જાણ દાહોદ વન વિભાગને કરતા વન વિભાગના એસીએફના માર્ગદર્શનમાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધરી ભારે જહેમત બાદ આ શિયાળને પાણી ભરેલા કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લો અફાટ વનરાજીથી ઘેરાયેલો છે. આ વનરાજીમાં બંને પ્રાણી દીપડા, રીંછ, સાબર, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. વનરાજી થી ઘેરાયેલા દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ ઘણી વખત ખોરાક તેમજ પાણીની શોધમાં માનવ વસાહત માં આવી જવાનાં કિસ્સાઓ ભૂતકાળમાં ઘણી વખત બન્યા છે. એમાંય ખાસ કરીને વન્યપ્રાણી દીપડો અવારનવાર માનવ વસ્તીમાં આવી મારણ કરવાના બનાવો તો રાત્રે દિવસ બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવતા દાહોદ તાલુકાના ખરેડીમાં બનવા પામ્યો છે. જેમાં ખરેડી ગામના વડલી ફળિયામાં ગતરોજ રાત્રિ દરમિયાન ખોરાકની શોધમાં આવેલો શિયાળ રમેશભાઈ હીરાભાઈના ખેતરમાં આવેલા પાણી ભરેલા કુવામાં ખાબક્યો હતો. શિયાળ કુવામાં ખાબક્યો હોવાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ તાબડતોડ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગના એસીએફ પરમારના માર્ગદર્શનમાં દાહોદ આરએફઓની આગેવાનીમાં વન વિભાગની ટીમે આજરોજ કુવા ખાતે પહોંચી શિયાળનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભારે જહેમત બાદ પાણી ભરેલા કુવામાં દોરડા વડે ખાટલો ઉતારી શિયાળનો રેસ્ક્યું કરી તેને પાણીમાંથી બહાર કાઢતા શિયાળ જંગલ તરફ ભાગી ગયો હતો.
આમ દાહોદ તાલુકાના ખરેડીમાં આવેલા ખેતરમાં પાણી ભરેલા કૂવામાં ખાબકેલા શિયાળને વન વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધરી બહાર કાઢ્યો હતો.