દાહોદ એસ.પી.ને મળવા પી.એ.ની ઓફિસમાં મહિલાએ ફરજ પરની મહિલા કર્મીને ગાળો આપી મારમારી ઈજાઓ કરતાં ફરિયાદ

દાહોદ,

એસ.પી.ને મળવાના બહાને દાહોદ એસપી કચેરી ખાતેની પી.એ. ઓફીસમાં આવેલ મહિલાએ ફરજ પરની મહિલા કોન્સટેબલને ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ઓફીસમાં જોરજોરથી બુમો પાડી સરકારી કામમાં અવરોધ ઉભો કરી દિવાલે લગાડેલ ઘડિયાળ તથા બાવકા મંદીરનો ફોટો કાઢી મારવા જતાં તે તુટી જતાં તેના તુટેલા કાચમો ટુકડો મહિલા કોન્સ્ટેબલના હાથ પર દશેક વખત મારી હાથ લોહીલુહાણ કરી, છાતી તથા પેટના ભાગે મુક્કા મારી ઈજાઓ પહોંચાડી ઓફીસની ફાઈલો તથા કાગળો વેરવીખેર કર્યાનું જાણવા મળ્યું છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન અશ્ર્વિનભાઈ બારીયા ગત તા. 23-2-2023ના રોજ સવારના સાડા દશ વાગ્યાના સુમારે દાહોદ જિલ્લા પોલીસવડાની કચેરીએ પી.એ.ની. ઓફીસમાં પોતાની ફરજ પર હાજર હતા. તે વખતે રાજકોટની તૃપ્તીબેન દેવમુરારી વૈશાલીબેનની ઓફીસમાં આવી હતી અને મારે એસ.પી.ને મળવું છે. તું કેમ મળવા દેતી નથી અને બધી જગ્યાએ પી.એ. માં પુરૂષ હોય છે અને તું કેમ અહીંયા બેસે છે, તેમ કહી બિભત્સ ગાળો બોલી વૈશાલીબેનને જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ઓફીસમાં જોરજોરથી બુમો પાડતી હોવાથી વૈશાલીબેને તેને શાંતિથી બેસવા માટે જણાવ્યું હતું પરંતુ તે માની ન હતી અને પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેનની કાયદેસરની સરકારી ફરજમાં અવરોધ ઉભો કરી દિવાલેથી દિવાસ ઘડિયાળ તથા બાવકા મંદીરનો ફોટો કાઢીને વૈશાલીબેનને મારવા જતાં વૈશાલીબેને સાઈડમાં ખસી જતાં ઘડિયાળ અને ફોટો જમીન પર પડતાં ફુટી જતાં રૂપિયા 800નું નુકશાન થવા પામ્યું હતું તથા ઓફીસમાં ફાઈલો તથા કાગળો વેરવીખેર કરી નાંખી નીચે પડેલ કાચનો ટુકડો લઈ વૈશાલીબેનને મારવા જતાં વૈશાલીએ સ્વબચાવ માટે હાથ ઉંચો કરતા તેને જમણા હાથના કાંડા થી પંજા સુધી દશેક વખત મારી દઈ હાથ લોહીલુહાણ કરી ઈજા પહોંચાડી તથા છાતી તથા પેટના ભાગે મુક્કા મારી ઈજાઓ પહોંચાડી ઓફીસમાં ભારે તોફાન મચાવી તમાશો કર્યો હતો.

આ સંબંધે ઈજાગ્રસ્ત વૈશાલીબેને દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે રાજકોટની તૃપ્તીબેન દેવમુરારી વિરૂધ્ધ ઈપીકો કલમ 324, 332, 186, 504, 506(2) તથા પબ્લીક પ્રોપટી ડેમેજ એકટ કલમ 3 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.