
સુંદરકાંડ પ્રતિયોગિતામાં પાંચ ટીમ દ્વારા ભંજન સાથે સંગીતમય સ્પર્ધા યોજાઈ.
દાહોદ,દાહોદ હનુમાન બજાર ખાતે પાંચ એપ્રિલ બુધવારના રોજ રાત્રીના નવ કલાકે શ્રી રામાયણ મંડળ દ્વારા સુંદરકાંડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સુંદરકાંડ સ્પર્ધાનું યુટ્યુબના માધ્યમ દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ દાહોદ શ્રી રામાયણ મંડળ દ્વારા દરેક ટીમનું પુષ્પગુચ્છ અને હનુમાનજીની છબી આપી સહુ ટીમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત નિર્ણાયક ટીમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગગનભેદી ફટાકડા ફોડી પ્રતીયોગિતા ચાલુ કરવામાં આવી હતી. દરેક ટીમો પર સુંદરકાંડની પ્રસ્તુતિ દરમ્યાન પુષ્પ વર્ષા કરવામાં આવતી હતી. તેમજ ઉપસ્થિત ભક્તો દ્વારા દરેક ટીમો પર લક્ષ્મીનો વરસાદ કરી ટીમોને પ્રોત્સાહન પૂરૂં પાડ્યું હતું અને ઉપસ્થિત ટીમો પર જે લક્ષ્મીનો વરસાદ થયો તે તમામ રૂપિયા ગૌ શાળામાં દાન આપવામાં આવનાર હતું.

દાહોદ ખાતે દરેક ટીમ દ્વારા સંગીતમય સુંદરકાંડ દરમ્યાન દેશ ભક્તિના ગીતો અને શ્રીરામના ભજનો દ્વારા સહુ લોકોના મન જીતી લીધા હતા. ગોપાલભાઈ દ્વારા સુંદરકાંડ દરમ્યાન સુંદર સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ વચ્ચે વચ્ચે સુંદરકાંડની અમુક ચોપાઇયોના ભાવાર્થ પૂછવામાં આવતા હતા, તેમજ ઉપસ્થિત ભક્તો દ્વારા તેના સુંદર જવાબ પણ આપવામાં આવતા હતા. સુંદરકાંડ પ્રતિયોગીતામાં કુલ પાંચ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો દરેક ટીમ દ્વારા બાર દોહા સાથે સંગીતમય સુંદરકાંડ કરવામાં આવ્યું હતું. પાંચે ટીમો દ્વારા ખૂબ જ સુંદર રીતે તાલબઘ્ઘ રીતે સુંદરકાંડ કરવામાં આવ્યા હતા. દરેક ટીમોએ એક બીજા થી ચઢિયાતુ પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત જજ દ્વારા કોઈ પણ ટીમોને ઈનામોની શ્રેણીમાં ગોઠવવા મુશ્કેલ હતા.

આ સુંદરકાંડ પ્રતિયોગીતાના નિર્ણાયક તરીકે ડો. કપિલભાઈ ( સંગીત વિસારદ) અને બે અન્ય નિર્ણાયકો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. હનુમાન બજાર મિત્રમંડળના અગ્રણી તેમજ બ્રહ્મ સમાજ દાહોદ કીનકરભાઈ રે ( ત્રિવેદી) દ્વારા સુંદરકાંડ પ્રતિયોગીતામાં ભાગ લેનાર ટીમોનુ સ્વાગત કર્યું તથા તેમનામાં ઉત્સાહ વધારવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરેલ હતું.
આ સુંદરકાંડ સ્પર્ધામાં શ્રી સિદ્ધેશ્ર્વર રામાયણ મંડળ, કાંરણવાડી ( મધ્યપ્રદેશ), શ્રી કૃષ્ણા મ્યુઝિકલ ગ્રુપ રતલામ (મધ્યપ્રદેશ), ખેડાપતિ સુંદરકાંડ મંડળ નલખેડા (મધ્યપ્રદેશ ), વણકતળાઈ સુંદરકાંડ મંડળ ઝાલોદ (ગુજરાત), શ્રી પનઘટ બાલાજી કોટડી (રાજસ્થાન)ની ટીમોએ ભાગ લીધો હતો. આ બધી ટીમની સુંદર અને સંગીતમય સુંદરકાંડની પ્રસ્તુતિને જજ દ્વારા પણ ભારે મુંઝવણ મૂક્યા હતા. આ બધાની વચ્ચે પનઘટ કે બાલાજીને (કોટડી, રાજસ્થાન)પહેલાં નંબરે વિજેતા થઈ હતી તેમને 31,000 રોકડા ઇનામ અને બાલાજીની પ્રતિમા ઇનામ રૂપે આપવામાં આવી હતી. બીજા ક્રમે શ્રી સિદ્ધેશ્ર્વર રામાયણ 21000 (કાંકણવાડી, મધ્યપ્રદેશ ), ત્રીજા ક્રમે ક્રિષ્ણા મ્યુઝીકલ ગ્રુપ (રતલામ, મધ્યપ્રદેશ), ચોથા ક્રમે ખેડાપતિ સુંદરકાંડ મંડળ 5,000 રોકડા (નલખેડા, મધ્યપ્રદેશ), પાંચમા ક્રમે વણકતલાઇ સુંદરકાંડ મંડળ (ઝાલોદ, ગુજરાત) 5,000 રોકડા તેમજ દરેક ટીમોને હનુમાનજીની પ્રતિમા આપવામાં આવી હતી.
દાહોદ રામાયણ મંડળ દ્વારા ખૂબ જ સુંદર રીતે સુંદરકાંડ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામાયણ મંડળ દાહોદના પ્રમુખ ભાસ્કરભાઈ ત્રિવેદી તથા તેમની આગેવાની હેઠળ સુંદરકાંડ મંડળનું આયોજન કરાયું હતું. આ સુંદર પ્રોગ્રામને દરેક ભક્તોએ આંખોમાં સંજોવી લીધો હતો. ઉપસ્થિત દરેક ભક્તો માટે ચા અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારે 4:30 વાગે સુંદરકાંડ પ્રતિયોગીતા પુરી કરવામાં આવી હતી.