દાહોદ શહેર સહિત જીલ્લામાંં શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભકતોની ભીડ

પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય દાહોદ શહેર સહિત જીલ્લાના તમામ શિવાલયો ખાતે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શિવાલયો બમ બમ ભોલે ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા ત્યારે દાહોદ નજીક આવેલ કાળી ડેમ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર એટલે શ્રાવણ માસ. આ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા આખો મહિનો ઉપવાસ કરી ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન અને તેમાં એક ખાસ કરીને શ્રાવણના સોમવારનું અનેરૂ મહત્વ હોય છે. ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લામાં શ્રાવણ માસના તમામ સોમવારના દિવસોએ શિવભક્તો દ્વારા પૂજા, અર્ચના કરી ભગવાન શિવજીને રિઝવવાનો પ્રયાસ કરી પોતાની મનોકામના ભગવાન શિવજીના સમક્ષ મુકતા હોય છે.

ત્યારે આજરોજ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય દાહોદના તમામ શીવાલયો ખાતે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ શિવભક્તોની દર્શન માટે તેમજ પૂજા અર્ચના માટે ભારે ભીડ જોવા મળી હતી. શિવ મંદિરો બમ બમ ભોલે ના નાદ થી ઉઠ્યા હતા. તમામ શિવાલયોને ભવ્ય રોશની થી શણગારી દેવામાં આવ્યા હતા. દાહોદમાં અનેક સ્થળોએ છેલ્લા શ્રાવણ માસના સોમવારના દિવસે ભંડારા તેમજ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દાહોદ નજીક આવેલ કાળી ડેમ ખાતે કેદારનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટીયું હતું. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત તેમના સાથી મિત્રો દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો લાભ લીધો હતો.