દાહોદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચાલતી કામગીરીને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો : એમ્બ્યુલન્સ પસાર થવામાં મુશ્કેલ

દાહોદ,
દાહોદ શહેરમાં હાલ ઠેર ઠેર જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના મહામારીમાં કોઈ દર્દીને એમ્બ્યુલન્સમાં દવાખાને લઇ જતા અને રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યોને કારણે હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ ઠેક ઠેકાણે ખાડાઓ ખોદી દેવાને પગલે ધૂળ ડમારીઓનું પણ સામ્રાજ્ય સર્જાયું છે. આ કામગીરી વહલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પગલે સંલગ્ન તંત્ર દ્વારા દાહોદ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇનો નાખવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને એમ્બ્યુલન્સમાં લઇ જવાતા દર્દીને દવાખાને પહોચાડવામાં અડધું દાહોદ ફરવું પડી રહ્યું છે. અત્રે સવાલ એ ઊભો થાય છે કે, શું આ સમગ્ર કામગીરી સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહ્યું છે કે, પછી આડેધડ ખોદકામ કરી કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ એક્સપર્ટ અથવા તો સુપરવાઈઝરની દેખરેખ હેઠળ આ કામગીરી થતી હસે તો વધારે સારૂ નહિતર કામગીરી પૂર્ણ થયા બાદ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેમ કે, કામગીરી પૂર્ણ થયા બાદ વ્યવસ્થિત પુરાણ કરવામાં નથી આવતું, ખાડાઓ રહી જાય છે, રસ્તાઓ પુન: બની શકતા નથી, ધૂળ, કોક્રિટ ને કારણે રસ્તાઓ ખખડધજ થઈ જતાં હોય છે જેવી અને સમસ્યાઓ બાદમાં નિર્માણ લે છે. સલગ્ન તંત્રના નિષ્ણાંત એન્જિનિયર યોગ્ય દિશા નિર્દેશ કરે તે જરૂરી છે. લગભગ કામ કરતી એજન્સીઓ બહારની હોય છે. જેમની પાસે ખરેખર ટેકનિકલ નિષ્ણાંતો છે કે નહિ તે જાણવું પણ જરૂરી છે. જો હાલ આ કામગીરીમાં યોગ્ય ધ્યાન આપવામાં નહિ આવે તો નાગરિકોને ભવિષ્યમાં હેરાન થવાનો વારો પણ આવી શકે છે. આ બાબતે અગાઉ તંત્રને ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીમાં સરકાર દ્વારા પૂરતું ફંડ પણ આપવામાં આવે છે. ત્યારે આ ફંડના નાણાં નો યોગ્ય ઉપયોગ થાય છે કે, નહિ તે તરફ તંત્રએ ધ્યાન રાખવું પણ જ‚રી છે અને એજન્સીઓ પાસે યોગ્ય કામ લેવું અને કામ પર ધ્યાન રાખવું પણ એટલુજ જરૂરી છે. કામગીરી પૂર્ણ કરીને એજન્સીઓ રવાના થઈ જતી હોય છે અને બાદમાં સમસ્યાના જવાબો સંલગ્ન તંત્રને આપવા પડતા હોય છે. નાગરિકોને સુવ્યવસ્થિત સુવિધા મળવી જોઈએ તેનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.