દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લાવાસીઓએ હોળી પર્વની આજરોજ હોળી પ્રગટાવી, પુજા, અર્ચના કરી હર્ષોઉલ્લાસ સાથે ધામધુમથી ઉજવણી કરી હતી. ત્યારે બીજા દિવસે ધુળેટી પર્વની પણ હર્ષોઉલ્લાસ સહિત ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જ્યારે બદલાતા સમયના વહેણની સાથે સાથે પર્યાવરણના રક્ષણ માટેની વાતને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ગાંધીચોક પાંચ બત્તી, દેસાઈવાડા, સીંધી સોસાયટી, નગરપાલિકા, વિગેરે સ્થળોએ લાકડાનો ઉપયોગન ન કરી છાણાનો મહત્તમ ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી હોળી બનાવી તેનુ પ્રાગટ્ય કરવામાં આવી હતી.
શહેરના ગાંધી ચોક ખાતેની મુખ્ય હોળી હોવાથી લોકોની તે જગ્યાએ ભારે ભીડ જોવા મળી હતી અને શહેરના અન્ય વિસ્તારોના માણસો પણ હાથમાં મસાલ લઈ હોળી પ્રગટ થવાની રાહ જોતા ઉભા રહે છે અને પરંપરા મુજબ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી અને તેની ઝાળથી મસાલ સળગાવી વિવિધ વિસ્તારના માણસો સળગાવી મસાલ લઈ દોડતા નજરે પડયા હતા. શ્રધ્ધાળુઓ હોળી પ્રાગટ્ય બાદ હોળી તાપવા અને હોળીના ફેરાફરી લોકો ધાણી, ખજુર અને નારિયેળ હોળીમાં હોમી પોતાની બાધા આખડીઓ પુરી કરી હતી તેમજ દાહોદ શહેરમાં નગરપાલિકા ચોકમાંથી છેલ્લા ઘણા વર્ષોથી હોળી પ્રાગટ્યમાં લાકડાનો ઉપયોગ ન કરી છાણાનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવે છે. તે જોતા જાગૃત બનેલા બીજા વિસ્તારના લોકો જેવા કે, દેસાઈવાડા, સીંધી સોસાયટી, નગરપાલિકા જેવા સ્થળોએ પણ લોકોએ છાણાનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી હતી. જ્યારે હોળીના બીજા દિવસે ધુળેટી પર્વ હોઈ સવારથી જ શહેરના તમામ વિસ્તારોમાં લોકો એકબીજા પર ગુલાલ રંગ છાંટી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. પરંપરાગત રીતે જીલ્લામાં કેટલીક જગ્યાએ ચુલનો મેળો પણ ભરાય છે જેમાંયે ઝાલોદ તાલુકાના રણીયાર ગામે ચુલનો ભવ્ય મેળો ભરાયો હતો અને ચુલનો મેળો જોવા આજુબાજુના ગામોમાંથી બજારો ઉમટી પડ્યા હતા. હોળી અને ધુળેટી પર્વે શહેર સહિત જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હોળીના પાવન તહેવાર નિમિત્તે દાહોદ શહેરમાં આનંદનો માહોલ જાવા મળી રહ્યો છે. બજારોમાં ખરીદી માટે લોકટોળા ઉમટી પડ્યા છે. હોળીની પુજામાં વપરાતા છાણાના હાર, ધાણી વિગેરે જેવી ચીજવસ્તુઓનું વેચાણ પણ બજારમાં ધુમ થઈ રહ્યુ છે. બીજી તરફ ધુળેટીના તહેવારને લઈ બજારોમાં રંગોનુ પણ વેચાણ ધુમ જાવા મળી રહ્યું છે.