
- ગંદકી, પાણીની સુવિધા,ભંગાર વાહનોના ખડકલા સેનેટરી વિભાગના વાહનો અટવાયા.
દાહોદ,
દાહોદ શહેરથી તદ્દન નજીક આવેલા પંડિત દિન દયાલ કોલોની અંતર્ગત આવેલા 480 આવાસોના રહીશો દ્વારા દાહોદ નગરપાલિકાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી બાબતે અવારનવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોએ આજરોજ મેન ગેટની તાળાબંધી કરી દીધી હતી. જેના પગલે નગર પાલિકાના વાહનો બહાર ન નીકળતા નગર પાલિકાના સત્તા દેશો તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, આ મામલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી રહીશોને સમજાવતા સમગ્ર મામલો દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચ્યો હતો. જ્યાં ચીફ ઓફિસર દ્વારા સ્થાનિકોને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટેની બાંહેધારી આપતા મામલો થાળે પડ્યો હતો.
દાહોદ તાલુકાના રળીયાતી નજીક 480 આવાસ ધરાવતા પંડિત દિન દયાલ કોલોનીમાં નાના તેમજ ગરીબ પરિવારના લોકો વસવાટ કરે છે. આજ કોલોનીમાં નગર પાલિકા દ્વારા સેનેટરી વિભાગના અસ્થાયી સંડાસની ગાડી, ડ્રેનેજની ગાડી, ષભબ જેવા વાહનો, પાણીના ટેન્કરો તેમજ કચરા ની ગાડીઓનો ખડકલો કરીને મુકેલો છે. આ કોલોનીમાં એક જ બોર ઉપર નિર્ધારિત છે. સાથે સાથે અહીંયા પાણીના કનેક્શનનો 2017 માં નાખવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી ચકલી માંથી પાણી ન આવતા છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. અધૂરામાં પૂરું સ્ટ્રીટ લાઇટ, પારાવાર ગંદકીના કચરાઓ ઢગલાંઓ તેમજ નગરપાલિકાના વાહનોમાં મરેલા જાનવરો લાવવામાં આવતા સ્થાનિકોની હાલત બદથી બદતર થઈ જવા પામી હતી. જેના પગલે અવારનવાર નગર પાલિકાના અધિકારીઓને રજૂઆત કરતા આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવ્યો હતો. જેના પગલે વિફરેલા સ્થાનિક રહીશોએ આજરોજ મેઈન ગેટને તાળું મારી દેતા નગર પાલિકાના રોજિંદા કામમાં આવતા વિભાગના વાહનો કેદ થઈ જવા પામ્યા હતા. જેના પગલે નગર પાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ મામલો વધુ બગડે તે પહેલા જ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેના સ્થાનિકોને નગર પાલિકા મોકલી રૂબરૂ રજૂઆત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોના ટોળા નગર પાલિકા ખાતે ધસી આવ્યા હતા. ચીફ ઓફિસર દ્વારા તેઓને રૂબરૂ મુલાકાત બાદ ચીફ ઓફિસર દ્વારા પીવાના પાણી સ્ટેટ લાઈટ તેમજ ગંદકીના મુદ્દે ત્વરિત કામગીરી કરવા બાહેધારી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.