દાહોદ શહેર સહિત તાલુકા પંથકમાં ર્માં દશામાં વ્રતની ભક્તિ ભાવપૂર્વક થઈ રહેલી ઉજવણી

  • ર્માં દશામાંની પ્રતિમાઓની સ્થાપના કરી બહેનો દ્વારા સવાર-સાંજ આરતી, ધૂપ, દીપ, નૈવેદ, પૂજન, અર્ચન તથા વ્રત કથાઓનું શ્રવણ થઈ રહ્યું છે.

દાહોદ, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં દીવાસાના દિવસથી ધર્મ પ્રેમી બહેનોએ ર્માં દશામાંના દસ દિવસના ઉપવાસ શરૂ કર્યા. ઉપાસક બહેનોએ વ્રતનો પ્રારંભ કરી ભક્તિ ભાવપૂર્વક ઘરે ઘરમાં ર્માં દશામાંની પ્રતિમાઓની સ્થાપના કરી આનંદ, ઉમંગ અને ભારે શ્રદ્ધાપૂર્વક આ પર્વની શુભ શરૂઆત કરી રંગે ચંગે ભાવિક બહેનો ઉત્સવ બનાવી રહી છે. બહેનો પોતાની યથા શક્તિ પ્રમાણે મૂર્તિઓ લાવી તેને વિવિધ પોશાક અને આભૂષણોથી સજ્જ કરી માતાજીને પ્રસન્ન કરવા પૂજન અર્ચન કરતી નજરે પડે છે. દશાર્માંના વ્રતથી સુખસર પંથકમાં ભક્તિમાં રસ તરબોળ બની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહેલ હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.

દાહોદ શહેર સહિત તાલુકાના અન્ય નાના-મોટા ગામડાઓમાં દશાર્માંંની મૂર્તિઓની સ્થાપના કરી બાળ-ગોપાળ, યુવાનો તથા વડીલો દ્વારા સવાર-સાંજ આરતી, પૂજન, અર્ચન તથા વ્રત કથાઓનું શ્રવણ થઈ રહ્યું છે. ભક્તો માતાજી પાસે જઈ મનોરથોની સિદ્ધિ માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. ઘરે ઘરમાં ગરબા ગવાતા હોય ર્માં દશામાં પ્રત્યે બહેનોની અપાર શ્રદ્ધા અને ભક્તિના દર્શન થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણના પ્રથમ દિવસથી શરૂ થયેલા ર્માંં દશામાના વ્રત 26 જુલાઈ-2023 ના રોજ પૂરા થશે. રાત્રી સમય દરમિયાન જાગરણ કરી કુવારીકા બાળાઓને ભોજન કરાવી યથાશક્તિ શૃંગારની ચીજ વસ્તુઓ આપી 27 જુલાઈ-2023 ના રોજ વહેલી સવારના ર્માં દશામાંની મૂર્તિઓને ઊંડા જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે.