
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થતાં જિલ્લામાં સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યાં છે. આજરોજ પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આજરોજ સૌથી વધુ વરસાદ દાહોદમાં 52 મીમી પડ્યો હતો જેના પગલે દાહોદ શહેરમાં રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્યારે ફતેપુરા અને સંજેલી તાલુકો કોરો રહ્યો હતો.
છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજા દાહોદ શહેર સહિત જિલ્લામાં ન વરસતાં લોકો અસહ્ય ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં હતાં. વરસાદ લંબાતા ખેડુત મિત્રોમાં પણ ચિંતાના વાદળો છવાઈ ગયાં હતાં ત્યારે છેલ્લા બે દિવસથી મેઘરાજા દાહોદ શહેર સહિત જિલ્લામાં મહેરબાન થતાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. ત્યારે આજરોજ પણ સતત વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને ખેડુત મિત્રો પણ પુન: ખેતીકામમાં જોતરાઈ ગયાં હતાં.
આજરોજ સૌથી વધુ વરસાદ દાહોદમાં 52 મીમી પડ્યો હતો. તેવી જ રીતે ઝાલોદમાં 01 મીમી, લીમખેડામાં 22 મીમી, ગરબાડામાં 26 મીમી, દેવગઢ બારીઆમાં 08 મીમી, ધાનપુરમાં 11 મીમી અને સીંગવડમાં 23 મીમી વરસાદ પડ્યો હતો. દાહોદ શહેરમાં સૌથી વધુ 52 મીમી વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અડધો કલાક સુધી સતત વરસાદ પડતાં સીઝનનો પહેલી વખત આવો વરસાદ પડ્યો હતો. દાહોદ શહેરના બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ફરી વળતાં વાહન ચાલકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાહોદ શહેરના ખખડધજ રસ્તાઓમાં ખાડા, ખાબોચીયામાં વરસાદી પાણી ભરાઈ જતાં તંત્રની પ્રિમોનસુનની તેમજ રસ્તાની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી.