દાહોદ : દાહોદ શહેર સહિત જીલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે મેઘરાજાની પધરામણી થઈ હતી. વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનના સુસવાટા સાથે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો ત્યારે ઘણા સમયથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકોને મહદઅંશે રાહત મળી હતી.
છેલ્લા ઘણા દિવસોથી દાહોદ જીલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું. વર્ષાઋતુનો પ્રારંભ થાય તે પહેલા જીલ્લામાં અમી છાંટાઓ પડતા હતા અને સાથે સાથે પવનના સુસવાટા પણ આવતાં હતાં ત્યારે આજરોજ વહેલી સવારના સમયે વાદળછાયા વાતવરણ, પવનના સુસવાટા વચ્ચે વીજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજાની વિધીવત રીતે પધરામણી થઈ હોય તેમ લાગ્યું હતું. શહેરના રસ્તાઓ વરસાદી પાણીની છવાઈ ગયાં હતાં. ઝરમર ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકોને મહદ અંશે રાહત મળી હતી. વર્ષાઋતુ લગભગ 25 તારીખ બાદ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે ત્યારે આ વર્ષે વરસાદ કેવો રહેશે તેની પર સૌની નજર મીંડરાયેલી છે.