
- પ્રાંત અધિકારી દાહોદના નિર્દેશો અનુસાર મામલતદારની ટીમે રેસ્ટોરેન્ટને સીલ મારી.
- પાર્કિંગ તેમજ અન્ય જુદા જુદા ખાણી પીણી રેસ્ટોરન્ટના નિયમોનો ભંગ જોવા મળતા સંબંધિત વિભાગે કાર્યવાહી હાથ ધરી.
દાહોદ,દાહોદ શહેરના મધ્યે આવેલી ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે આ મામલે દાહોદ મામલતદાર અને પ્રાંત અધિકારીને મળેલી રજૂઆતો અને ફરિયાદોના આધારે આજરોજ ઉપરોક્ત સંબંધિત વિભાગ દ્વારા રેસ્ટોરેન્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પાર્કિંગ તેમજ ખાણીપીણીની રેસ્ટોરન્ટને લાગતા અન્ય નિયમોનો ભંગ થતો જોવા મળતા મામલતદારની ટીમે રેસ્ટોરન્ટને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરની તાલુકા પંચાયત કચેરી સામે આવેલી હોટલ સેન્ટર પ્લાઝામાં સંચાલિત થતી તસુ મશક્ષ નામક ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે હોટલની બહાર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. જે અંગે દાહોદ પ્રાંત અધિકારી એન બી રાજપુતને ટ્રાફિકની સમસ્યાઓ અંગે ફરિયાદો તેમજ રજૂઆતો મળી હતી. જે સંદર્ભે પ્રાંત કચેરી દ્વારા વારંવાર રેસ્ટોરન્ટ માલિકને નોટિસો ફટકારી હોવા છતાંય હોટેલ માલિક દ્વારા કોઈપણ પ્રકારનો પ્રતિઉત્તર આપ્યો ન હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે પ્રાંત અધિકારી એનબી રાજપૂતના નિર્દેશો અનુસાર દાહોદ મામલતદાર મનોજ મિશ્રા નાયબ મામલતદાર તેમજ પુરવઠાની ટીમો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે આવેલી સ્કાય ડાઇન હોટેલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તપાસ દરમિયાન ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં નક્કી કરેલા નિયમો અને શરતોનો ભંગ જોવા મળતા મામલતદારની ટીમે ઉપરોક્ત કારણોસર આ હોટલને સીલ મારી હોવાનું ચર્ચા રહ્યું છે. જોકે સત્તાવાર રીતે સીલ મારવાનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ એક અધિકારીએ નામના આપવાની શરતે જણાવ્યા અનુસાર ઉપરોક્ત કારણોસર આ હોટલને સીલ મારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરના મધ્યે આવેલી આ ખાણીપીણીની રેસ્ટોરેન્ટને વહીવટી તંત્ર દ્વારા ઓચિંતી સીલ મારતા ખળભળાટની સાથે સાથે ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.