દાહોદ,
દાહોદ શહેરના ઉબડ ખાબડ રસ્તાઓથી દાહોદવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. નવા રસ્તા બનાવવાનું તો મૂરત જ નથી આવતું તેમ લાગી રહ્યો છે. ગત ડિસેમ્બરમાં પાલિકાના પ્રમુખના હસ્તે પોતાના જ વોર્ડમાં આવેલ ગોવિંદ નગરની એક સોસાયટીમાં નવીન રસ્તો બનાવવા માટે ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું અને તે રસ્તાનું કામ ચાલુ કર્યા બાદ કોઈ કારણસર અધવચ્ચે જ કામ અટકાવી દેવામાં આવતા તે સોસાયટીના રહીશોને પોતાના વાહનો પોતાના ઘર સુધી લઈ જવામાં પણ ધોળે દિવસે તારા દેખાય છે જેમ બને તેમ જલ્દી તે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ત્યાના રહિશોની માંગણી છે. દાહોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં આવેલ ગોવિંદ નગરની પ્રકૃતિ નગર સોસાયટી તથા પંકજ સોસાયટીને જોડાતા આરસીસી રોડ ત્યાંના લોકોના કહેવા મુજબ હાલ ચાલે એવો હોવા છતાં તે રોડને નવો બનાવવામાં માટે ગત તારીખ 21મી ડિસેમ્બરના રોજ તે જ વિસ્તારના કાઉન્સિલર અને દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ આ રોડનું કોદાળીથી ખોદીને શ્રીફળ વધેરી ખાતમૂહર્ત કર્યું હતું અને ત્યારબાદ તે રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને રોડ બનાવવા રોડા પાથર્યા હતા. ત્યારબાદ કોઈને કોઈ કારણસર આ રોડનું કામ આટલેથી જ અટકાવી દેવામાં આવતા છેલ્લા એક માસ કરતા વધુ સમયથી આ રોડની હાલત જૈસે થે સ્થિતિમાં રહેતા તે સોસાયટીના રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્ય તો એ વાતનું થઈ રહ્યું છે કે, આ વિસ્તારના નગરસેવક પોતે દાહોદ નગરપાલિકાના પ્રમુખ છે અને તે રોડનું ખાતમૂહર્ત પણ તેઓએ જ કર્યું છે તેમજ આ વિસ્તારમાં જ વોર્ડ નંબર નવ ના કાઉન્સિલર પણ રહે છે તેમ છતાં આ રોડની આવી દુરદશા છેલ્લા એક માસ કરતા વધુ સમયથી યથાવત્ જોવા મળી રહી છે આ તે કેવું કહેવાય ? આ રોડનું કામ જે કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું છે તેને કેટલા સમયમાં આ રોડ પૂર્ણ કરવા જણાવાયું છે ? આ કામ અધવચ્ચે જ રોકાવાનું કારણ શું ? આ રોડનું અટકાવવામાં આવેલ કામ ક્યારથી ચાલુ કરવામાં આવશે ? તેવા અને સવાલો જન માનસમાં વાગોળાઈ રહ્યા છે ત્યારે હાલ આ વિસ્તારના રહીશોની જીભે એક જ વાત આવી રહી છે કે, રોડ બને તો સારો બને અને રોડ બનાવવામાં સારી કવોલિટીનું મટીરીયલ વપરાવું જોઈએ ત્યારે આ રોડ કેટલી અવધીમાં પૂર્ણ થશે અને કેવી ગુણવત્તાવાળો બનશે તે કહેવું હાલ અઘરૂં છે.