દાહોદ શહેરમાં ઓવરલોડ ભારે વાહનોને પગલે ટ્રાફિકની વધતી સમસ્યા

  • સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે તે જરૂરી.

દાહોદ,દાહોદ શહેરમાં આવેલ ગોદીરોડ અંડર બ્રિજથી લઈને ઓવર બ્રિજ સુધી આ વિસ્તારમાં દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં રહે છે. મોટા અને ભારે વાહનોના કારણે અહીં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે. સમયસર શાળાએ જતાં બાળકો અને નોકરી ધંધા પર જતાં વ્યક્તિઓને આ ટ્રાફિક જામના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ભારે વાહનોની અવર જવરના કારણે માર્ગ અકસ્માતની પણ ભીતી સર્જાઈ શકે તેમ છે અને ભુતકાળમાં આ માર્ગ પર અકસ્માતો પણ સર્જાઈ ચુક્યા છે અને જેને કારણે નિર્દોષ વાહન ચાલકોએ પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યાં છે. આવા સતત અવર જવર વાળા વિસ્તારોમાં સવારે 08 થી સાંજના 07 વાગ્યા સુધી ઓવરલોડ મોટા અને ભારે વાહનોને પર પ્રતિબંધ લગાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.

દાહોદ સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે. હાલ પણ દાહોદ શહેરવાસીઓ અનેક સમસ્યાઓથી હેરાન પરેશાન છે પરંતુ સૌથી વધુ પરેશાની શહેરવાસીઓને ટ્રાફિક જામના કારણે થઈ રહી છે. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે. માત્ર શહેરના બે સ્થળોએ ટ્રાફિક સિંગ્નલ ચાલુ હોવાને કારણે આ સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાતી નથી જેમાં ભરપોડા સર્કલ અને સ્વામી વિવેકાનંદ ચોક ખાતે ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. અન્ય સ્થળોએ ભારે ટ્રાફિક જામના કારણે લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. દાહોદ શહેરનો પડાવ વિસ્તાર, બહારપુરા વિસ્તાર, ગોવિંદનગર, ચાકલીયા રોડ, ગોડી રોડ જેવા વિસ્તારોમાં સતત ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે તેમાંય ખાસ કરીને ગોદી રોડ અંડર બ્રીજથી લઈને ઓવર બ્રીજ સુધી ગોડી રોડના આ વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આ સ્થળે ટ્રાફિક જામના કારણે શાળાએ જતાં બાળકો તેમજ નોકરી, ધંધાના સ્થળે જતાં લોકો સમયસર પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શકતા નથી. આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની અવર જવરના કારણે માર્ગ અકસ્માતના બનાવો પણ બને તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. ભુતકાળમાં આ વિસ્તારમાં સર્જાયેલ માર્ગ અકસ્માતમાં નિર્દોષ વાહન ચાલકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે. દાહોદ શહેરમાં આવા ભરચક અને સતત અવર જવરવાળા જાહેર માર્ગો પર સવારે 08 થી સાંજે 07 સુધી મોટા અને ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે જેથી આવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય. ઓવરલોડ મોટા અને ભારે વાહનો જેવા કે, ટ્રક, ટેમ્પા અને માલસામાન ભરેલ વાહનોને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવે તો હિતાવહ્ રહે તેમ છે.