દાહોદ,દાહોદ શહેરમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી ચોરીના કુલ 04 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ શોધી કાઢી ગુન્હામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને ઝડપી પાડી ચોરીનો કુલ રૂા.49,750નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓ અટકાવવા, જુગારના અડ્ડા ઉપર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા વિગેરે જેવા ગુન્હાઓને શોધી કાઢવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ શહેરમાં ઘરફોડ ચોરીના 04 અનડીટેક્ટ ગુન્હાઓને દાહોદ એલ.સી.બી. પોલીસે શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી રહી હતી. ત્યારે પોલીસને મળેલ બાતમીના આદારે દાહોદ ઈન્દૌર હાઈવે રોડ ઉપર ભગવતી હોટેલની નજીક દરગાહ પાસે બે છોકરાઓ થેલાઓમાં કાંઈક શંકાસ્પદ મુદ્દામાલ ભરી લઈ વેચવા જનાર છે. જે બાતમીના આધારે પોલીસે ઈન્દૌર તરફ ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે રોડ દાહોદ ભગવતી હોટલની નજીક વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી તપાસ કરતાં આ ગુન્હામાં સંડાવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને ઘરફોડ ચોરીના રૂા.49,750ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં અને બંન્ને બાળ કિશોરોને પોલીસ મથકે લાવી તેઓની પુછપરછ કરતાં દાહોદ શહેરમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.