દાહોદ શહેરમાં ફરસાણના માફીયાઓની ઉઘાડી લૂંટ

  • શહેરમાં ખાદ્ય તેલના ભાવોમાં છેલ્લા કેટલાયે દિવસોથી સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, તેમ છતા દાહોદમાં ફરસાણના વેપારીઓ દ્વારા ફરસાણના ભાવોમાં લુંટ ચલાવી રહ્યા છે.
  • વેપારીઓ દ્વારા કોઈ પણ જાતનો ઘટાડો કરવામાં આવ્યો નથી અને દાહોદ વાસીઓને ફરસાણના વેપારીઓ ખુલ્લેઆમ લુંટતા હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે.
  • અમુક વેપારીઓ જાણે સુઘ અને ચોખો માલ આપવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે.

દાહોદ,\ ત્યારે તંત્રના સંલગ્ન વિભાગના અધિકારી આ મામલે દાહોદ વાસીઓને હાલમાં ચાલી રહેલા ખાદ્યતેલનાં ભાવોને ધ્યાને લઇ વ્યાજબી અને પોષણ ક્ષમ ભાવે ફરસાણ મળી રહે તે દિશામાં નિર્ણય લે તેવી લોકોની લાગણી અને માંગણી છે. ખાદ્ય તેલનાં ભાવ જ્યારે ભડકેબળતા હતા. તે વખતે શહેરના ફરસાણના વેપારીઓ ફરસાણના ભાવોમાં વધારો કરવાની માંગણી સાથે જવાબદાર તંત્રના સંલગ્ન વિભાગનાં અધિકારી પાસે દોડી ગયા હતા અને તેઓની સાથે બેઠક કરી હતી. જે બેઠકમાં વેપારીઓની ફરસાણના ભાવોમાં વધારો કરવાની માંગણી સ્વીકારવામાં આવી હતી અને ફરસાણના ભાવ વઘધારવા માટેની અનુમતિ આપતા દાહોદના ફરસાણના વેપારીઓએ ફરસાણના ભાવમાં ભારે વધારો કર્યો હતો. જેમાં સેવ-ચવાણા વગેરેનો કિલોનો ભાવ રૂા. 260 થી 280 લેવાનું ચાલુ કર્યું હતું. જ્યારે કચોરી-સમોસાના નંગ દીઠ રૂપિયા 15 લેવાનું નક્કી કર્યું હતું. જે ખરેખર તો સામાન્ય જનતાને પોષાય તેમ ન હોવા છતાં નાસ્તાની શોખીન દાહોદની જનતા પોતાના શોખ ખાતર મજબુરીથી પણ આ ભાવ વધારો બરદાસ્ત કરતી રહી છે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલનાં ભાવમાં સતત ઘટાડો છતાં જોવા મળી રહ્યો છે. રૂા. 2500 થી પણ વધુ ભાવના ખાદ્ય તેલના ડબ્બા હાલ રૂા. 1640 થઇ ગયા છે. ખાદ્યતેલનાં ભાવમાં આટલો બધો ઘટાડો થયો હોવા છતાં ફરસાણના ભાવોમાં દાહોદના ફરસાણના વેપારીઓ દ્વારા એક પૈસાનો પણ ઘટાડો કરવામાં આવ્યો નથી અને હજીયે રૂા. 15 માં કચોરી-સમોસા તથા સેવ-ચવાણાના કિલોના રૂા. 260 થી 280 વસુલી લોકોને લુંટી રહ્યા હોવાની શહેરભરમાં વ્યાપક ચર્ચાઓ છે. ત્યારે સંલગ્ન વિભાગના જવાબદાર અધિકારી ખાદ્યતેલનાં ભાવમાં ભારે ઘટાડો થયો હોવાનું જાણતા હોવા છતાં ફરસાણના વઘારે પડતાં ભાવોના મામલે ચુપ કેમ છે ? ખાદ્ય તેલનાં ભાવો ભડકે બળતાં હતા. ત્યારે ફરસાણના વેપારીઓની ફરસાણના ભાવમાં વધારો કરવાની માંગણી સ્વીકારી હતી. જ્યારે હવે ખાદ્ય તેલનાં ભાવોમાં ઘરખમ ઘટાડો થયો છે, ત્યારે ફરસાણના ભાવોમાં ઘટાડો કરવા સંલગ્ન વિભાગનાં જવાબદાર અધિકારી ફરસાણના વેપારીઓને આદેશ કરે તેવી દાહોદવાસીઓની લાગણી અને માંગણી છે. ત્યારે આ અંગે જીલ્લા પુરવઠા અધિકારી શું પગલા લેશે તે હવે જોવુ રહ્યું !