દાહોદ,
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધામધુમ પુર્વક ઉજવણી કરવા માટે દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું ચલણ વધતાં પોલીસ એક્શન મોડમાં આવી છે અને અગાઉ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં કેટલાંક વેપારીઓને પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. ત્યારે પોલીસે વધુ બે ઈસમોને ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતાં. દાહોદ બી-ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે પેટ્રોલીંગમાં હતા. તે સમયે બે શંકાસ્પદ ઈસમો સ્કુલ બેગ સાથે જતાં જોવા મળતાં પોલીસે બંન્ને ઈસમોની અટકાયત કરી હતી અને તેઓનું નામ પુછતાં પ્રિયાંશુ ઓમપ્રકાશ પટેલ (રહે. દાહોદ, ગોદીરોડ, આવકાર સોસાયટી, તા.જિ.દાહોદ) અને સચિનભાઈ દિલીપભાઈ ધોબી (રહે. ગોદીરોડ, ગણેશ સોસાયટી, તા. જિ. દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસે રહેલ સ્કુલ બેગની તલાસી લેતાં તેમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના ફિરકા નંગ. 06 જેની કિંમત રૂા. 3000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દાહોદ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.