દાહોદ, દાહોદ શહેર સહિત જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 09 ઓગષ્ટ એટલે કે, વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દાહોદ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ સાંસ્કૃતિતક રેલી નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદથી નીકળી નિર્ધારિત સ્થળોએથી પસાર થનાર છે. આ રેલીમાં વિવિધ જન જાગૃતિને અનુલક્ષીને ઝાંખીઓ, ટેબલો, નૃત્ય ગાન સાથે નીકળનાર છે.
09 ઓગષ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસએ દાહોદ જિલ્લામાં વિશેષ મહત્વ ધરાવે છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં આ દિવસનું અનેરૂ મહત્વ છે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષ આ દિવસે દાહોદ શહેર સહિત જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આદિવાસી સમાજ દ્વારા આ દિવસે પોતાના પરંપરાગત વેશભુષા, સંસ્કૃતિ સાથે અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ખાસ કરીને સાંસ્કૃતિક રેલી કાઢવામાં આવે છે. આવતીકાલે પણ દાહોદ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદથી બપોરના 12.00 કલાકેથી નીકળી આઈ.ટી.આઈ., ઝાલોદ રોડ, બસ સ્ટેશન, સ્વામિ વિવેકાનંદ ચોક, સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ, ભગીની સમાજની સામે, ચંદ્ર શેખર આઝાદ સર્કલ, ગોધરા રોડ, ભરવાડ વાસ થઈ દેસાઈવાડ, તળાવ ચોક થઈને બિરસા મુંડા સર્કલ, માણેક ચોક થઈને આંબેડકર સર્કલ, તાલુકા પંચાયત થઈને આદિવાસી કોમ્પ્યુનીટી કમ કલ્ચર ભવન, તાલુકા પંચાયતની સામે પુર્ણાહુતિ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક રેલીમાં વિવિધ ઝાંખીઓ, ટેબલો, નૃત્યુ ગામ સાથે રેલી ઠેર ઠેર ફરશે. ટેબલોમાં ખાસ કરીને શિક્ષણની જાગૃતિ, સીકલ સેલની જાગૃતિ વિગેરે જન જાગૃતિ અભિયાન અનુલક્ષીને ટેબલોને તૈયાર કરવામાં આવનાર છે. ઢોલ નગારાની સાથે આદિવાસી સમાજના લોકો રેલીમાં મોટી સંખ્યામાં જોડાનાર છે. સાંસ્કૃતિક રેલી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવનાર છે.
વિશ્ર્વ આદિવાસી દિવસની અનુલક્ષીને દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ મહાનુભવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં દાહોદ તાલુકા ખાતે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તા.09/08/2023ના રોજ 10:00 કલાકે જૂના ઈન્દોર હાઇવે પ્રસંગ પાર્ટી પ્લોટ 2 વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીક્તા મંત્રી ભાનુબેન બાબરીયા લીમખેડા ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણીમાં થશે સહભાગી થનાર છે. ગરબાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અધ્યક્ષતામાં વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. નાયબ દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે. નાયબ દંડક જગદીશભાઇ મકવાણાની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકના ગુરૂ ગોવિંદધામ કંબોઈ ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે.