દાહોદ,દાહોદ શહેર સહિત જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા અને ધડાકા સાથે સાંજના પાંચ વાગ્યાના આસપાસ દાહોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે બીજી તરફ મીરાખેડી ગામે બરફના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
આજરોજ બપોર બાદ દાહોદ શહેર સહિત જીલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને સાંજના પાંચેક વાગ્યાના આસપાસ પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ધડાકા સાથે દાહોદ શહેરની સાથે સાથે ઝાલોદ, લીમડી, ફતેપુરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે બીજી તરફ મીરાખેડી ગામમાં બરફના કરા પડ્યા હતા. કેટલાક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. તો બીજી તરફ આજરોજ કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. આ કમોસમી વરસાદને પગલે દાહોદ જીલ્લાની એપીએમસી ખાતે દોડધામ મચી જવા પામી હતી. એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલ અનાજનો જથ્થો પણ પડી જવા પામ્યો હતો. જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. હાલ જ્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે. તેવા સમયે આવા પ્રસંગોમાં કમોસમી વરસાદના આગમનને પગલે લગ્ન આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી. તો લગ્ન આયોજકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો.