દાહોદ સરસ્વતી સર્કલ થી તાલુકા પંચાયત સુધી રસ્તાની કામગીરીના ખોદકામ દરમિયાન પાણીની પાઈપ તુટતાં પાણીનો વેડફાટ

દાહોદ, દાહોદ શહેરના સરસ્વતી સર્કલથી તાલુકા પંચાયત સુધીનો રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ આ રસ્તા પર આવેલ પાણીની પાઈપ લાઈન પણ આવેલ છે. ત્યારે ખોદકામ દરમ્યાન આ રસ્તા વચ્ચે આવેલ પાણીની પાઈપ લાઈન લીકેજ થતાં હજારો લીટર પાણી આ વિસ્તારમાં વેડફાટ થતો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ રસ્તાની કામગીરી સત્વરે અને યુધ્ધના ધોરણે પુરૂ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.

દાહોદ સ્માર્ટ સીટી પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના સરસ્વતી સર્કલ એટલે કે, ભરપોડાની સામેના રસ્તાથી તાલુકા પંચાયત જવાના માર્ગ સુધી રસ્તાની કામગીરી માટે રસ્તાની એક સાઈડે ખોદકામ કરી નાંખવામાં આવે છે. આ કામગીરી એટલી મંથરગતિએ ચાલી રહી છે કે, બીજી બાજુથી પસાર થતાં લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેથી ત્રણ ફુટ ઉંડો ખોદી નાંખવામાં આવેલ આ માર્ગને કારણે બીજી બાજુથી પસાર થવામાં વાહન ચાલકોને ભયનો સામનો પણ કરવો પડી છે. અકસ્માત સર્જાવાની ભીતી પણ સર્જાતી રહી છે. ત્યારે બીજી તરફ આ વિસ્તારમાં ખોદકામ દરમ્યાન પાણીની પાઈપ લાઈને આજરોજ લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફોટ થતો પણ જોવા મળ્યો હતો. એક તરફ શહેરીજનો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે બીજી તરફ આવો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેના માટે જવાબદાર કોણ ? શહેરના ગોદીરોડ સહિત અનેક વિસ્તારોમાં અઠવાડીયા સુધી પાણી આપવામાં આવતુ નથી. ત્યારે આ વિસ્તારમાં રસ્તાના ખોદકામ દરમ્યાન હંમેશા પાણીની પાઈપ લાઈન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા આ મામલે કોઈ ધ્યાન ન અપાતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. સરસ્વતી સર્કલ થી તાલુકા પંચાયતનો માર્ગ જલ્દીથી જલ્દી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.