દાહોદ સહિત જીલ્લામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે પ્રિમોન્સુનની પોલ ખુલી

દાહોદ, દાહોદ શહેર સહિત જીલ્લામાં વર્ષાઋતુના આગમન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જીલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. ગતરોજ મોડીરાત્રીના એકાદ વાગ્યાના આસપાસથી જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે બીજી તરફ પ્રથમ વરસાદમાંજ જીલ્લાના ઘણા શહેરો તેમજ ગામોમાં તંત્રની પ્રિમોનસુનની કામગીરી તેમજ કાચા, પાકા રસ્તાઓ અને બનાવવામાં આવેલ નાળાઓની પોલ ખુલી જવા પામી હતી. ઘણી જગ્યાએ નાળાઓ ધોવાઈ ગયાં તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર વાહનો ફસાઈ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા. બીજી તરફ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે દાહોદ જીલ્લાના ખેડુત મિત્રો ખેતીકામમાં જોતરાઈ ગયાં હતાં.

ગતરોજ મોડીરાત્રીના સમયે મેઘરાજાની દાહોદ જીલ્લામાં ધમાકેદાર એન્ટ્રીના પગલે જીલ્લાના તમામ શહેરો અને ગામોમાં વરસાદી પાણી જોવા મળ્યાં હતાં. દાહોદ જીલ્લાના દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંજેલી, દેવગઢ બારીઆ, ધાનપુર, લીમખેડા, સીંગવડ જેવા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો, તો બીજી તરફ પ્રથમ વરસાદમાંજ પ્રિમોનસુનની જીલ્લામાં કામગીરીની પોલ ખુલી જવાથી લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગરબાડા તાલુકામાં ગતરોજ મધ્યરાત્રીથી શરૂં થયેલ વરસાદને પગલે નદી, નાળા, કોતરમાં નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ પહેલાજ વરસાદમાં ગરબાડાના વહીવટી તંત્રની પોલ ખુલી જવા પામી હતી. જેમાં ભ્રષ્ટ્રાચાર પણ ઉજાગર થયો હોય તેવું સામે આવી રહ્યું છે. ગરબાડાના વડવા, ખજુરીયા અને ભીલવા અને નેલસુરને જોડતો એકમાત્ર રસ્તો છે, જ્યાં કાતરીયા કોતર તરફ ઉનાળા દરમ્યાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ નાળુ બનાવવામાં આવ્યું હતું. જે નાળુ આ ચોસામાના પ્રથમ વરસાદમાંજ નાળુ ધોળાઈ જતાં આ નાળામાં કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હશે તે વિચાર માંગી લેતો પ્રશ્ર્ન છે. આ નાળુ બનાવવામાં આવ્યું હતું. ત્યારથીજ વિવાદમાં સપડાઈ ગયું હતું. આ નાળાની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાની તાલુકા પંચાયતના સભ્ય દ્વારા એક સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી. જે અરજીને ધ્યાનમાં લઈ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી હશે તે કહેવુ હાલ શક્ય નથી, પરંતુ ગઈકાલથી શરૂં થયેલા ચોમાસાના પ્રથમ વરસાદમાંજ આ નાળુ ધોળાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ શાળાએ જતાં બાળકો અને ઈમરજન્સી સેવાઓ પર પણ અસર જોવા મળી હતી તો બીજી તરફ ગરબાડાના જાબુંઆ ગામે વરસાદની વચ્ચે બે એસ.ટી. બસો ફસાઈ જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, નળ સે જળ યોજનાના ખોદકામ દરમ્યાન આ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાંખવામાં આવી હતી. તેની જગ્યા ઉપર માટી પાથરી દેવામાં આવી હતી. આ જગ્યા ઉપર બે દિવસ પહેલાજ એજન્સી દ્વારા પાણીની પાઈપ લાઈન નાંખવામાં આવી હતી. તે અંતર્ગત રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, પાઈપ લાઈન નાંખ્યા બાદ એજન્સી દ્વારા યોગ્ય મટીરીયલ્સ વાપરવામાં ન આવતાં રોડ પર પ્રથમ વરસાદમાંજ કાદવ, કીચડનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું હતું. ત્યારે ગતરોજ મોડી રાત્રીના સમયે વરસેલ વરસાદને પગલે વધુ કાદવ, કીચડ સર્જાતાં અહીંથી પસાર થતી તેમજ ગુલબાર તરફ આવતી જતી બે બસો સામસામે ફસાઈ જવા પામી હતી. આ બંન્ને એસ.ટી. બસો ફસાઈ જવાને કારણે બંન્ને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ બસોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. તો બીજી તરફ દાહોદ ગરબાડા જતાં સર્વિસ સ્ટેશન રોડ પર આજરોજ વરસતા વરસાદમાં આ માર્ગ ઉપરથી પસાર થતી એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના પૈડા રસ્તાની વચ્ચે આવેલ ભુગર્ભ ગટરમાં ફસાઈ જવા પામી હતી. ભુગર્ભ ગટરની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં હતાં. તો બીજી તરફ વિસ્તારમાંથી લોડીંગ વાહનો પસાર થઈ રહ્યાં છે. જેને પગલે ભુગર્ભ ગટરની લાઈનોમાં વાહન ફસાઈ જતાં તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં હતાં.