દાહોદ સહિત જીલ્લામાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રીથી રસ્તાઓ પાણી પાણી થયા

દાહોદ શહેર સહિત જીલ્લામાં આજરોજ મેઘરાજા મહેરબાન થતાં જીલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. વહેલી સવારથીજ મેઘરાજાએ ધીમી ધારે આગમન કરતાં શહેર સહિત જીલ્લાના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયાં હતા, તો બીજી તરફ કદવાલની ટુટીડી નદી તોફાની બનતાં નદી તરફથી અવર જવર કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદ તાલુકામાં પડ્યો હતો.

દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજા હાથ તાળી આપી તેમજ છુટાછવાયા વરસાદ વચ્ચે ગાયબ થઈ જતાં હતાં. જેને પગલે જીલ્લાવાસીઓ અસહ્ય ગરમી તેમજ બફારાથી હેરાન પરેશાન થઈ ગયાં હતાં. ત્યારે છેલ્લા બે દિવસથી દાહોદ શહેર સહિત જીલ્લામાં મેઘરાજાએ પુન: આગમન કરતાં જીલ્લામાં વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. આજરોજ વહેલી સવારથીજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જીલ્લામાં તમામ સ્થળોએ વરસાદી પાણી જોવા મળ્યાં હતાં. લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈ બેઠેલા ખેડુત મિત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

ખેડુત મિત્રો પુન: એકવાર ખેતીકામમાં જોતરાઈ ગયાં હતાં. આજના વરસાદને પગલે જીલ્લામાં તમામ સ્થળોએ વરસાદ પડતાં ખાસ કરીને નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાહોજ જીલ્લામાં આજે સૌથી વધુ વરસાદ ઝાલોદ તાલુકામાં 65 મીમી પડ્યો હતો. ત્યારે સૌથી ઓછો વરસાદ દેવગઢ બારીઆ તાલુકામાં 02 મીમી પડ્યો હતો. જ્યારે ફતેપુરામાં 19 મીમી, લીમખેડામાં 34 મીમી, દાહોદમાં 36 મીમી, ગરબાડામાં 08મીમી, ધાનપુરમાં 07મીમી, સંજેલીમાં 15મીમી અને સીંગવડમાં 27મીમી સાથે જીલ્લામાં આજે કુલ 23.67 ટકા વરસાદ સાંજના ચાર વાગ્યા સુધીમાં પડ્યો હતો.

સંજેલી થી ઝાલોદ-જેતપુર-કદવાલ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રોડ બંધ…

સંજેલી સહિત ગઈ કાલથી જ દાહોદ જીલ્લા સહિત તાલુકાઓ પંથકમાં વાતાવરણમા પલ્ટો જોવા મળી આવ્યો. છેલ્લા 24 કલાકમાં ઝાલોદ- સંજેલી સહિતના વિસ્તારોમાં ધમધમાટ વરસાદ વરસતા નગરની સડકો પર પાણી ફરી વળીયા હતા. આમ, સંજેલી-ઝાલોદ રોડ પેટ્રોલ પંપ પાસે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી રાહદારીઓને પસાર થવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તદુપરાંત ઝાલોદ થી સંજેલી તરફ જતા કદવાલ-જેતપુર રસ્તાઓ પર ભારે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારની અવર-જવર થંભી ગઈ હતી. રોડ બ્લોક થતા અવર જવર માટે લોકોએ અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાની નોબત આવી હતી.

આમ, મેઘરાજા મન મુકીને વરસતા ઝાલોદ ખાતે 2 મી.મી. તેમજ સંજેલી તાલુકામાં 10 મીમી કરતા વધુ વરસાદ નોંધાયો હતો. પંથકમા વરસાદે મન મુકી વરસતા ગરમીનો પારો નીચે જતા પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી. ત્યારે હજીય પણ નદી-નાળા કયારે છલકાશે તેની રાહ જોતા પંથકના ખેડુતો ?