દાહોદ રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે

  • મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે દાહોદ પોલીસલ્લાના દુધામલી ચોસાલા અને વણભોરી ખાતે 3 કરોડ 32 લાખ થી વધુના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું.

દાહોદ,પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે 3 કરોડ 32 લાખથી વધુ રકમના ખર્ચે નિર્માણ પામનાર દુધામલી, ચોસાલા તેમજ વણભોરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્યની સેવાઓ એ લોકોની પ્રાથમિક જરૂરિયાતનો ભાગ છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીએ વ્યક્ત કરી હતી.

સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચેએ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જીલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો, અગ્રણીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઊપસ્થિત રહ્યા હતા.