દાહોદ, અમૃતસર થી મુંબઈ તરફ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી 35 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને દાહોદ રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવી હતી. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ને કોલ કરવામાં આવ્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ મહિલાને પ્રસવની પીડા ઉપાડતા મહિલા માટે દેવદૂત બનીને આવેલા ઓન ડ્યુટી ફરજ પર હાજર આરપીએફ તેમજ પ્લેટફોર્મ પર હાજર ઓન ડ્યુટી તબીબે મહિલા કર્મચારીઓ જોડે પ્લેટફોર્મ પર જ સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.જે બાદ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જોકે, માતા અને બાળક સુરક્ષિત હોવાથી તેને રૂટીન ચેકઅપ માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
35 વર્ષીય ઇરફતજહાં ઇમામઉદ્દીન નામક સગર્ભા મહીલા તેનાં ભાઈ આસિફ જોડે ટ્રેન નંબર 12904 ગોલ્ડન ટેમ્પલ મેલમાં અંબાલા થી મુંબઈ જવા જી/5 માં 51 તેમજ 52 નંબરની સીટ પર બેસી રવાના થઈ હતી. રસ્તામાં ટ્રેન મેઘનગરથી દાહોદ આવવા રવાના થતાં ઈરફાત બેનને ઓચિંતી પ્રસવની પીડા ઉપડી હતી. જે બાદ આ મહીલાના ભાઈએ ટ્રેનમાં ટી.ટી.ઇ. ની મદદ લેતા ટી.ટી.ઇ. એ સ્ટેશન માસ્ટર વૈશાલી પંડ્યા તેમજ આરપીએફના પી.આઈ. લીનીશા બૈરાગીનો સંપર્ક કર્યો હતો. આ ટ્રેન દાહોદ આવી પહોંચતા સગર્ભા મહિલાને દાહોદ ખાતે ઉતારવામાં આવી હતી. આ દરમિયાન સ્ટેશન માસ્ટર દ્વારા 108 ઈમરજન્સી સેવાને કોલ કરી બોલાવી હતી. પરંતું 108 ને સ્ટેશન પર આવવામાં વિલંબ થયું હતું. આ દરમીયાન સગર્ભા મહિલાની પ્લેટફોર્મ નંબર એક પર જ ડીલેવરી કરવાની નોબત આવી હતી. જોકે સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવેલા સ્ટેશન માસ્ટર તેમજ આરપીએફના પી.આઈ.પોતે મહિલા હોવાથી તે મહિલાની પીડા ખૂબ જ સારી રીતે જાણતા હોઇ તેઓએ તાત્કાલિક અસરથી સ્ટેશન પર ઓન ડ્યુટી હાજર તબીબ ચંદ્રપ્રકાશ છત્રીય , કોન્સ્ટેબલ રજની બાવરીયા, સ્ટેશન પર કાર્યરત અન્ય મહિલાઓના સહયોગથી ટ્રેનમાં મુસાફરી કરતી સગર્ભા મહિલાની સફળતાપૂર્વક ડીલવરી કરાવી હતી. જેનાં પગલે સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સ્થળ પર પહોંચેલી 108 એસ દ્વારા માતા અને બાળકની તપાસ હાથ ધરતા બંને સ્વસ્થ જણાયા હતા.જેથી માતા અને બાળકને વધુ સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો નજરે જોનાર સગર્ભા મહિલાના ભાઈએ સ્ટેશન પર ફરજ પર હાજર કર્મચારીઓ તેમજ અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરીના પગલે આભાર માન્યો હતો.
આમ, દાહોદ સ્ટેશન પર હાજર મહિલા કર્મચારીઓએ ટ્રેનમાં મુસાફરી કરતી સગર્ભા મહિલાની આપાતકાલીન પરિસ્થિતિમાં કપલ ડીલેવરી કરાવી નિષ્ઠા સાથે ફરજ બજાવતા માનવતા પણ મેહકાવી આવી હતી.