- ટ્રેનોના આગમન સમયે શોર્ટકર્ટ અપનાવી પાટા ઓળંગતા જોખમ ઉઠાવતા મુસાફરો.
- રેલવેની એન્ટ્રી ગેટથી FOB પર દૂર હોવાથી વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરોની હાલત કફોડી.
- રતલામ ખાતે ઓપરેટીંગ દ્વારા સમય અને ખર્ચ બચાવવા ટ્રેનોના પ્લેટફોર્મ બદલતા હોવાનું સામે આવ્યું.
દાહોદ,દાહોદ સહીત આસપાસના વિસ્તારના નાના તેમજ મધ્યમ પરીવારો માટે લાઈફ લાઈન ગણાતી મેમો ટ્રેનના અવારનવાર પ્લેટફાર્મ બદલી દેતા એક તરફ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ ટ્રેનના પ્લેટફાર્મ બદલાતા અંતિમ ક્ષણોમાં મુસાફરો ટ્રેન પકડવાની લ્હાયમાં મુસાફરો પાટા ઓળંગતા હોય છે. જે જોખમી પણ છે અને ઘણી વખત સુપરફાસ્ટ ટ્રેન પસાર થતી હોય છે. ત્યારે પાટા ઓળગીને જતા મુસાફરો પોતાની મોત નોતરે છે અને બીજી તરફ ગેરકાયદેસર રીતે પાટા ઓળંગતા મુસાફરોને RPF દ્વારા દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે છે. જેના પગલે મુસાફર બન્ને રીતે દંડાય છે. સામાન્ય રીતે પ્લેટફોર્મના એન્ટ્રી ગેટથી ફૂટ ઓવર બ્રીજ નજીકમાં બનાવેલું હોય છે. ત્યારે દાહોદમાં એન્ટ્રી ગેટથી ફૂટ ઓવર બ્રીજ ખાસ્સો દૂર હોવાથી મુસાફરો શોર્ટકર્ટ આપનાવે છે. જેના પગલે મુસાફર જોખમી અને નુકશાન કારક પણ હોય છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ દાહોદના જાગૃત પત્રકારોએ સાંસદ જશવંતસિંહ ભાભોરને આ સમસ્યાથી અવગત કરાવતા તેઓએ તાત્કાલિક ડીઆરએમનો સંપર્ક કરી ઘટતું કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખની છે કે, આ મામલે રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રેલ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડે વાતચીત કરતા તેઓએ આ મામલે ઓફિસિયલ રતલામ મંડળને સંપર્ક કરવા જણાવ્યું હતું. પરંતુ એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મેમુ, ડેમો અવંતિકા એક્સપ્રેસ, જમ્મુતાવી સહિતની કેટલીક ટ્રેનોના અંતિમ ક્ષણોમાં પ્લેટફોર્મ બદલવામાં આવે છે. તે વાત સાચી છે પરંતુ તેની પાછળ તેઓએ જે કારણ સમજાવ્યું તે સામાન્ય વ્યક્તિની સમજ બહાર છે. રતલામ મંડળથી સંચાલિત થતા ઓપરેટિંગ સિસ્ટમથી ટ્રેનોની અવરજવર તેમજ કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે. તે અંગે ત્યાંથી નક્કી કરવામાં આવે છે. આ મામલો અગાઉ દાહોદના સાંસદ ડી.આર.યુ.સી.સી.ના મેમ્બરો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અમે પણ આ મામલે ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ રેલવે રતલામ તરફથી આવતી ટ્રેન એક નંબર પર ડાયવર્ટ કરે છે. તો તેના સંચાલનમાં બે થી ત્રણ મિનિટનો વેરિએશન આવે છે. જ્યારે બે નંબર પર આ ટ્રેનો જાય છે તો તેમનો સમય અને ખર્ચ બેઉ બચે છે. આ નિયમ પ્રમાણે રતલામ તરફથી આવતી તમામ ટ્રેનો એક નંબર પર આવી જોઈએ પરંતુ ઉપરોક્ત કારણોના લીધે ઘણી વખત ટ્રેનોના સંચાલનમાં તેમાં ટ્રેનો લેટ હોવાથી રતલામ ખાતે સંચાલિત ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ટ્રેનોના સંચાલન તેમજ પ્લેટફોર્મ બદલવાનું નક્કી કરવામાં આવે છે. અધિકારીના જણાવ્યા અનુસાર જો સાંસદની રજૂઆત ધારદાર હોય તો સિનિયર ડી.આર.એમના એક લેટર પર માત્ર 10 મિનિટમાં એનોના પ્લેટફોર્મ બદલવાની સમસ્યાનો કાયમી નિકાલ આવી જાય તેમ છે. ટ્રેનોના બદલાતા પ્લેટફોર્મમાં ઘણી વખત મુસાફરો શોર્ટકટ અપનાવી પાટા ઓળંગે છે, જે જોખમી છે. જોકે પશ્ચિમ રેલવે મિશન 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ટ્રેનો દોડાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. સાથે સાથે અમૃત ભારત સ્ટેશન અંતર્ગત દાહોદ સ્ટેશનની કાયાપલટ થવાની છે. એક સારી બાબત છે પરંતુ આજે પણ દાહોદ સ્ટેશન પર ઘણી ખરી સમસ્યાઓ મુસાફરોને હેરાન કરી મૂકે છે. જેમાં એન્ટ્રીગેટથી પ્લેટફોર્મ નંબર એકથી બે અને ત્રણ પર જવા માટેનો FOB નિયમ પ્રમાણે એન્ટ્રીએટથી નજીક હોવો જોઈએ પરંતુ દાહોદમાં એન્ટ્રી ગેટથી FOB 200 થી 300 મીટર દૂર છે. સાથે સાથે અન્ય પ્લેટફોર્મ પર જવા માટે રેમ્પ કે લિફ્ટની સુવિધા પણ પ્લેટફોર્મ પર ઉપસ્થિત નથી. આમ, તો દાહોદ રેલવે સ્ટેશન NGT 4 ની શ્રેણીમાં આવે છે. પરંતુ ઘણી ખરી સમસ્યાઓ દાહોદ સ્ટેશન પર ઉદભવવા પામી છે. તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ નંબર 1 2 3 અને નવીન બનનારા પ્લેટફોર્મ નંબર 4 ને જોડતા લિફ્ટની સુવિધા સાથે ફૂટઓવર બ્રિજનું રેલ રાજ્યમંત્રી દ્વારા દાહોદના સાંસદ જશવંતસિંગ ભાભોરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પરંતુ આ લિફ્ટની સુવિધા સાથેનું નવીન ફૂટ ઓવર બ્રિજ જુના FOB કરતા ખાસ્સુ દૂર છે. એન્ટ્રી ગેટથી નવીન FOB તો અંદાજે 500 થી 600 મીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. જેના પગલે આવનારા સમયમાં દિવ્યાંગ,વૃદ્ધ તેમજ શારીરિક રીતે અસક્ષમ મુસાફરોને 500 થી 600 મીટર દૂર સુધી સુવિધા વડે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવું પડશે અને જો તેનો કમ્પાર્ટમેન્ટ આગળના છેડે હશે તો તે મુસાફરને આટલુંને આટલું ફરી ચાલવું પડશે. આ તમામ બાબતોને રેલવે દ્વારા ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. વર્તમાનની જેમ ભવિષ્યમાં પણ દિવ્યાંગ અને શારીરિક રીતે અસક્ષમ મુસાફરોને હાલાકી ભોગવવાનું જ બાકી રહી જશે. અધુરામાં પૂરૂં દાહોદ રેલવે સ્ટેશન પર માત્ર ચાર ફૂલી ઉપસ્થિત છે. જેમાં બે દિવસમાં અને બે રાતમાં પ્લેટફોર્મ પર હાજર રહે છે. ત્યારે રેલ સંબંધી બાબતોમાં દાહોદના સાંસદ જશવંતસિંગ ભાભોર દ્વારા મુસાફરોને સુવિધાઓ પૂરી પાડવા માટે બંધ પડેલી ટ્રેનો ચાલુ કરાવવા માટે તેમજ અત્રેથી પસાર થતી મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ માટે અવારનવાર લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરવા છતાં રેલ્વે એક રેલ મંત્રી રેલ રાજ્યમંત્રી તથા રેલવે તંત્ર દાહોદ માટે કુણું વલણ અપનાવતા હોય તેમ લાગી રહ્યું છે. સાંસદોની રજૂઆતોને દર કિનાર કરી રેલવે તંત્ર મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ હોય, ટ્રેનોના પ્લેટફોર્મ બદલવાનો મામલો હોય અથવા મુસાફરોની સુવિધા ને લગતા પ્રશ્ર્નો હોય તે તમામ બાબતોને લઈ રેલ્વે દ્વારા દાહોદને અછૂતો કરી દેવામાં હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ રેલ્વે દ્વારા સીઝનેબલ તેમજ નવીન સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજના મામલે ઠેંગો દેખાડતું હોય તેમ લાગી રહ્યું છે. હવે તો વડાપ્રધાન મોદી કે જેવો દાહોદ માટે અમિત દ્રષ્ટિ ધરાવે છે, તેમજ દાહોદ તેમના દિલમાં વસેલું છે. તે લાગણી અને દાહોદ વાસીઓની માંગણી તેમજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની રજૂઆતોને ધ્યાનમાં લઇ હસ્તક્ષેપ કરે અને રેલવે સંબંધી તમામ બાબતોમાં દાહોદને પ્રાથમિકતા મળે તે અંગે ઘટતું કરે તેવી લાગણી તેમજ માંગણી દાહોદ શહેર સહીત જિલ્લાવાસીઓમાં ઉઠવા પામી છે.