દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રિઝર્વેશન ટીકીટ ત્રણ બારી છતાંં એક બારીથી ચાલતી કામગીરીથી રીર્ઝવેશન માટે લાંબી કતારો

દાહોદ,દાહોદ શહેરમાં આવેલ અત્યાધુનિક રેલ્વે સ્ટેશન ખાતે રિઝર્વેશન ટીકીટની ત્રણ બારીઓ હોવાના છતાંય માત્ર એક બારીએ સમગ્ર કામગીરી કરવામાં આવતાં અને અન્ય બે બારીઓ બંધ હોવાને કારણે એક રિઝર્વેશન બારીએ લાંબી કતાર જોવા મળી રહી છે. આ મામલે રેલ્વે વિભાગ દ્વારા અન્ય બંધ પડેલ બે રિઝર્વેશન બારીઓ પણ ખુલ્લી મુકવામાં આવે તો લોકોનો સમય પણ બચે અને સમયસર લોકો ટીકીટ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

સ્માર્ટ સિટી બની રહેલા દાહોદ ખાતે રેલવે સ્ટેશન આધુનિક બનવા છતાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે રિઝર્વેશન માટે પહેલેથી જ ત્રણ ટિકિટ બારી ફાળવેલી છે પરંતુ તેમાં હંમેશા માત્ર બે નંબરની ટિકિટ બારીથી જ એક જ કર્મચારી દ્વારા ટિકિટો રીઝર્વેશન કરવાથી લઈ કેન્સલ કરવા સુધીના તમામ કામો કરાય છે. જ્યારે કે બારી નં.1 અને 3 ને હંમેશાં લાકડાના પાટીયા મુકી બંધ જ રાખવામાં આવે છે. ગુજરાતનું છેલ્લું સ્ટોપ ગણાતું દાહોદ જ્યારે સમગ્ર જીલ્લાનું મુખ્ય સેન્ટર છે. તેવા સમયે લોકો ટિકિટ રિઝર્વેશન કરવા માટે વહેલી સવારથી જ લાંબી લાંબી લાઈનો લગાવે છે. ત્યારે આ કામ જો અત્રે મુકાયેલ ત્રણેય ટિકિટ બારી ઉપરથી વધુ કર્મચારીઓ મુકી જો કરવામાં આવે તો વધુ લોકભોગ્ય બની શકે. મુસાફરોને લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે. કલાકો સુધી એકજ બારી પર કામગીરી થતી હોવાને કારણે મુસાફરો ભારે હેરાન પરેશાન પણ થતાં જોવા મળી રહ્યાં છે. ઘણીવાર તો મુસાફરોમાં અંદરો અંદર લાંબી લાઈનોને કારણે તું…તું.. મેં..મેં..ના દ્રશ્યો પણ જોવા મળતાં હોય છે. આવા સમયે મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી બંધ પડેલ અન્ય બે બારીઓ પર પણ રિઝર્વેશનની કામગીરીનો આરંભ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.