દાહોદ રહેણાંક સોસાયટીમાં કોમન પ્લોટમાં દબાણ દુર કરવા ડી.ડી.ઓ.દ્વારા હુકમ કરાતા ખળભળાટ

દાહોદ,

દાહોદ શહેરની તદ્દન નજીક આવેલી રહેણાંક સોસાયટીમાં રેલ્વેના નિવૃત્ત અધિકારી દ્વારા સોસાયટીના કોમન પ્લોટ તેમજ જાહેર રસ્તામાં દબાણ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ મામલે વિરોધ નોંધાવી સામુહિક રીતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા રેલ્વેના અધિકારીએ દબાણ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. સાથે સાથે દબાણ દુર કરવા ટી.ડી.ઓ.ને હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ આ મામલે કોર્ટ કમિશનની માંગ કરવામાં આવતા કોર્ટ કમિશનના કર્મચારીઓએ સ્થળ પર આવી સમગ્ર મામલા માટેનો એક રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરથી તદ્દન નજીક આવેલા ગલાલિયાવાડ સાંઈ દર્શન સોસાયટીના રહેવાસી અને રેલ્વેના નિવૃત્ત અધિકારી આઈ.ડી.મિશ્રા અને તેમના પત્નિ વિભાબેન ઈંદ્રજીત મિશ્રા સોસાયટીમાં મકાનના બાંધકામ માટે જમીન હતી ત્યારે આ સોસાયટીમાં નિર્માણ પામેલા રસ્તા તેમજ કોમન પ્લોટ માટે જગ્યા છોડવામાં આવી હતી. તે નગર નિયોજક નકશામાં દર્શાવેલ છે.જો કે આઈ.ડી.મિશ્રા દ્વારા જમીનના બાંધકામ સમયે સોસાયટીના રસ્તા તેમજ કોમન પ્લોટની જગ્યામાં બાંધકામ કરી દબાણ ઉભુ કરતા તેમની જ સોસાયટીની બિંદુબેન અરવિંદકુમાર છત્રિય તેમજ અન્ય 19 જેટલા મકાન માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ મામલે આઈ.ડી.મિશ્રા તેમજ વિભાબેન ઈંદ્રજીત મિશ્રાને કહેતા તેઓએ પોતાની મનમાની ચલાવી હતી. અનેે ખુલ્લા પ્લોટ અને રસ્તાની જમીનમાં ગેરફાયદો દબાણ ઉભુ કરી દીધુ હતુ. ત્યારબાદ આ મામલામાં સોસાયટીના રહિશો દ્વારા જિલ્લા પોલીસવડા, પ્રાંત અધિકારી, કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, સિટી સર્વે ઓફિસમાં લેખિત રજુઆત કી હતી. સાથે સાથે બંને વિરુદ્ધ જિલ્લા સ્વાગત તેમજ લેન્ડ ગે્રબિંગ અંતર્ગત ગુનો દાખલ કરવાની રજુઆત પણ કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ મામલે તપાસના હુકમ બાદ સિટી સર્વે ઓફિસ દ્વારા જમીનની માપણી હાથ ધરાતા આઈડી મિશ્રાએ 22.18 સ્કવેર મીટર ગેરકાયદેસર દબાણ ઉભુ કરાયુ હોવાનુ સામે આવતા સિટી સર્વે કચેરી દ્વારા તા.27/07/2022ના રોજ ગેરકાયદેસર દબાણ દુર કરવા ટી.ડી.ઓ.ને હુકમ કરતા સમગ્ર મામલામાં ગરમાવો જોવા મળ્યો હતો. જો કે દિવસો વિત્યા છતાંય સોસાયટીના નાગરિકો દ્વારા પુન: અરજી કરી હતી. જેમાં આઈ.ડી.મિશ્રા તેમજ વિભાબેન ઈંદ્રજીત મિશ્રા દ્વારા કોર્ટ કમિશનમાં અરજી કરતા કમિશનના બે કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા. અને તેઓએ ગેરકાયદેસર દબાણ અંગે પંચની હાજરીમાં રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.