દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સંદર્ભે પરિસંવાદ યોજાયો

દાહોદ,પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદની સદ્દગુરૂ વોટર ફાઉન્ડેશનના રેઈન વોટર હાર્વેસ્ટીંગ વિષયના તજજ્ઞ મનહરભાઈ પટેલ તથા હિતેષભાઈ શાહ દ્વારા ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે તા: 21.4.’24 ને રવિવારે સવારે આયોજીત આ પરિસંવાદમાં વરસાદી પાણીનું સંચયન કરી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે વિષય ઉપર સરસ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા વરસાદી પાણીના બચાવ, સંગ્રહ અને તેને લગતી બાબતો (રેઈન વોટર હાર્વેસ્ટિંગ) સાથે જંગલોના ઘટતા પ્રમાણ સંદર્ભે પણ માર્ગદર્શન અપાયું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણી ભાવિ પેઢી આપણે સારી રીતે યાદ કરે તેના માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગને મોટા પાયે ઉપયોગમાં લેવું તે હવે આપણી નૈતિક જવાબદારી છે. આ કાર્યક્રમમાં મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈ, મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી, મંત્રી શાકીર કડીવાલા, ક્ધવીનર નાસિર કાપડીયા સહિતના અનેક સભ્યો, દાહોદના બિલ્ડર્સ, ઈજનેરો, આર્કિટેક્ટ્સ અને જાગૃત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અંતે મંડળના ઉપપ્રમુખ નિલમ અમીને આભાર દર્શન કર્યું હતું.