દાહોદ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે મુહીમ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી

દાહોદ,

દાહોદ શહેર સહીત જિલ્લામાં માનવજાત અને અબોલ પક્ષીને બચાવવાં માટે પોલીસના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની મુહિમ ઉપાડી છે. તે અંતર્ગત દાહોદ પોલીસે મીડિયાને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. સાથે સાથે વેપારીઓને ચાઈનીઝ દોરી ન વેચવા માટે અપીલ પણ કરાઈ હતી.

દાહોદ જિલ્લામાં આગામી ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓ તેમજ માનવ જાતને જોખમ કારક ગણાતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતા વેપારીઓ સામે દાહોદ જિલ્લા પોલીસે લાલ આંખ કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓની સામે પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન ગુનાઓ દાખલ કર્યા છે. ત્યારે આજરોજ દાહોદ ડિવિઝનના એ.એસ.પી જગદીશ બાંગરવા, એ- ડિવિઝન ટાઉનના પી.આઈ કિરીટ લાઠીયા તેમજ બી ડિવિઝનના પીઆઈ મહેશ દેસાઈ તેમજ SOG ના પીએસઆઈ ધનેશા તેમજ LCB ટાઉન SOG પોલીસના જવાનો સાથે મળી દાહોદના રાજમાર્ગો ઉપર નીકળી પતંગ અને દોરીના દુકાનોમાં પહોંચી ચેકીંગ હાથ ધરી હતી. તેમજ વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા માટે અપીલ કરી સમજણ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખની છે કે, ચાઈનીઝ દોરી એ માનવજાત અને અબોલ પક્ષીઓ માટે મોતના ખતરા સમાન છે, તેમની રક્ષા કરવું એ માનવજાતનું જ કામ છે. ચાઈનીઝ દોરીના કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ જતા મોત નિપજ્યા હોવાના બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પણ ચાઈનીઝ દોરીના કારણે પાંખ કપાઈ જવાના કારણે તે જમીન ઉપર પડવાથી મોતને ભેટે છે. ત્યારે તે દોરીમાં ભીડવાવાથી તે ઝાડ કે કેબલો, મકાનો ઉપર લટકવાથી તેનું મોત નીપજે છે. તે મુહિમ અંતર્ગત પોલીસ દ્વારા દાહોદના વેપારીઓ ચાઈનીઝ દોરી ન વેચવાની અપીલની સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી. જોકે, કાયદા નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરશો તેવા સમયે પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લઈ અને ગુનાઓ દાખલ કરવામાં આવશે. તેવી ચેતવણી પણ પોલીસ દ્વારા વેપારીઓને આપવામાં આવી હતી. ત્યારે છેલ્લા ચાર દિવસો દરમિયાન શહેર પોલીસે 8 થી 10 જેટલાં વેપારીઓ સામે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગેના હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. ત્યારે પોલીસની ચેકીંગ આગામી 15મી જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે પોલીસની આ મુહિમ કેટલી રંગ લાવે છે અને વેપારીઓ પોલીસના કાયદાનું પાલન કરે છે કે નહી તે તો આવનારો સમય જ બતાવશે.