
- વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા.
- યોગ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને આજે વૈશ્ર્વિક સ્થાન મળ્યું છે- રાજ્ય મંત્રી
દાહોદ, દાહોદ જીલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જીલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

આ અવસરે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્ર્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્ર્વએ સ્વિકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે.
તેમણે વધુ ઉમેરતાં કહ્યું હતું કે વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્ર્વે સ્વિકારી પ્રતિ વર્ષ 21મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્ર્વ 21 મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય ના નારા સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વિશ્ર્વના ખૂણે-ખૂણે આજે યોગ અને યોગાભ્યાસ લોકપ્રિય બની વાયુવેગે પ્રચલિત થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્ર્વને આ યોગની ભેટ આપણા ભારત દેશે આપી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનો અમૂલ્ય ભાગ છે.
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા. આ અવસરે જીલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી એ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, કલેક્ટર ડો હર્ષિત ગોસાવી,જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધીક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, એ.એસ.પી. જગદીશ બાંગરવા, જીલ્લા શિક્ષણાધિકારી સુરેશ મેડા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ મુનિયા, જીલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, રમત વિકાસ અધિકારી ઉષાબેન, સહિત પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં દાહોદની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.