દાહોદ, દાહોદ શહેરમાંથી દાહોદ એ. ડિવીઝન પોલીસે ચોરીની બુલેટ ટુ વ્હીલર સાથે બે ઈસમોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાનાઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત ગુન્હાઓના ભેદ ઉકેલવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એ. ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના રાબડાળ ગામ તરફ મુવાલીયા ક્રોસીંગ પાસે વાહન ચેકીંગ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક બુલેટ ટુ વ્હીલર ગાડી પર પસાર થઈ રહેલા બે શંકાસ્પદ ઈસમોની પોલીસે બુલેટ ટુ વ્હીલર ગાડી સાથે અટકાયત કરી તેઓની સઘન પુછપરછ તેમજ ગાડીના કાગળીયા વિગેરેની માંગણી કરતાં બંન્ને ઈસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા. જેથી પોલીસેને બંન્ને ઈસમો પર શંકા જતાં તેઓને દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં આ બુલેટ ટુ વ્હીલર ગાડી આજથી અઠવાડીયા પહેલા દાહોદ દૌલતગંજ બજારમાંથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ બંન્ને ઝડપાયેલ ઈસમોએ કબુલાત કરી હતી. પોલીસે સિદ્દીકહુસેન ઈસ્માઈલખાન પઠાણ (રહે. છોટાઉદેપુર, વણઝારવાસ, નટવરપુરા, તા.જી.છોટાઉદેપુર) અને આરીફભાઈ હુસેનભાઈ મકરાણી (રહે. દાહોદ, માળીનો ટેકરો, મદની મગર, તા.જી.દાહોદ) ની અટકાયત કરી આ સંબંધે દાહોદ એ. ડિવીઝન પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.