દાહોદ,31 ડિસેમ્બરને લઇને દાહોદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. પોલીસે 31 ડિસેમ્બરના દિવસે નશાકારક દ્રવ્યોનું સેવન કરીને નીકળેલા લોકો સામે સખ્ત કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પોલીસે જીલ્લા ભરમાં તેમજ ચેકપોસ્ટો પર નાકાબંધી કરી વાહનોની સખ્ત તલાસી હાથ ધરવામાં આવી હતી.
2023 ને અલવિદા કરવા અને 2024 ને આવકારવા માટે યુવાધન સહિત શહેરીજનો થનગની રહ્યા હતા. તો બીજી તરફ દારૂબંધી વાળા ગુજરાતમા દારૂની પાર્ટીઓ ના યોજાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દાહોદ પોલીસ પણ સતર્ક બની હતી. 31 ડિસેમ્બરને લઇને શહેર સહિત જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, અને કોઈપણ અસામાજીક પ્રવૃત્તિ ના થાય તે માટે પોલીસે દાહોદ શહેર અને શહેરના મુખ્ય માર્ગો પર તેમજ શહેરમા પ્રવેશ કરતા મુખ્ય માર્ગો અને ચોકડીઓ પર તેમજ જીલ્લાની આંતર રાજ્ય બોર્ડરો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી હતી. તેમજ આવતા જતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. તેમજ આલ્કોહોલ જેવા નશીલા પદાર્થોનું સેવન કરી વાહન હંકારતા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી નશીલા પદાર્થોનું સેવન કરેલા લોકોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. નવા વર્ષની ઉજવણી દરમ્યાન નશાની હાલતમાં ચુર વ્યક્તિઓની પણ પોલીસે અટકાયત કરી હતી.