દાહોદ પોલીસે ત્રણ અલગ અલગ સ્થળે રેઈડ કરી 1.20 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ,દાહોદ જીલ્લામાં પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએ પ્રોહી રેડ પાડી કુલ રૂા.1,20,370ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી તેમજ બે ટુ વ્હીલર ગાડી મળી ત્રણ વાહનો કબજે કર્યાનું જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત ચાર ઈસમોને પોલીસે ઝડપી પાડી તેમજ એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના મોટીખરજ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.11મી માર્ચના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોટીખરજ ગામ તરફ જતાં માર્ગ ઉપર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટુ વ્હીલર મોપેડ ગાડી પર સવાર અશોકભાઈ કનુભાઈ બારીયા (રહે. અભલોડ, રાયણ ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ) તથા તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર મળી બંન્ને ઈસમોની અટકાયત કરી તેઓની પાસે રહેલ થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.214 કિંમત રૂા.30,010ના પ્રોહી જથ્થા સાથે ટુ વ્હીલર મોપેડ ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. 60,010નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ બંન્ને ઈસમોની પુછપરછ કરતાં મોટરસાઈકલ પર પાયલોટીંગ કરી રહેલ એક ઈસમ, વિદેશી દારૂ ભરી આપનાર તથા વિદેશી દારૂ મંગાવનાર ઈસમો મળી એકબીજાની મદદગારીમાં આ વિદેશી દારૂની હેરાફેરી કરતાં હોવાની કબુલાત કરતાં આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના રાબડાળ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.11મી માર્ચના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રાબડાળ ગામ તરફ જતાં માર્ગ ઉપર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર પ્રકાશભાઈ શુક્રમભાઈ તડવી (રહે. અગાસવાણી, તળાવ ફળિયું, તા. ધાનપુર, જી. દાહોદ) અને તેની સાથેનો વિપુલભાઈ સબુરભાઈ બારીયા (રહે. ઘોડાઝર, કળમ ફળિયું, તા. ધાનપુર, જી. દાહોદ) નાની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.528 કિંમત રૂા.63,840ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિમત મળી કુલ રૂા.2,93,840નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાજુભાઈ પર્વતભાઈ રાઠવા (રહે. કુંડલી, ભે ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ), કિરણભાઈ અભેસિંગભાઈ રાઠવા (રહે. કુંડલી, ભે ફળિયું, તા. લીમખેડા, જી. દાહોદ) અને સુનિલભાઈ મછાર (રહે. મધ્યપ્રદેશ) નાની મદદગારીથી હેરાફેરી કરતાં હોવાની કબુલાત કરતાં દાહોદ તાલુકા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજો બનાવ લીમખેડા નગરમાં બનવા પામ્યો હતો. જેમાં ગત તા.11મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા નગરના ભરવાડ ફળિયામાં રહેતાં વાઘુભાઈ નાનજીભાઈ કટારાના ઘરે પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને ચકમો આપી વાઘુભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 191 કિંમત રૂા.26,520નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.