
દાહોદ,
દાહોદ જિલ્લામાં સરકારની પી.એમ.કિસાન યોજનામાં ૩૨,૭૧૭ બોગસ ખેડુત ખાતેદારો ઉભા કરી રૂ .૨૩,૮૨,૦૦૦ ની છેતરપીંડી તેમજવિશ્વાસઘાત કર્યાનું ફરિયાદ પોલીસમાં નોંધાતા સરકારી આલમ સહિત અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભારત સરકારની પી.એમ.કિશાન યોજનામાં દાહોદ જિલ્લાના જુદા – જુદા તાલુકાના ગામોમાંથી કુલ ૩૫,૪૩૬ અરજીઓની ચકાસણી કરાવતા તે પૈકી ફક્ત ૨૭૧૯ ખેડુત ખાતેદાર જણાઈ આવ્યા હતા અને ૩૨૭૧૭ વ્યક્તિઓ ખાતેદાર ન હોવાનું માલુમ પડ્યુ હતુ. આ પૈકી ૧૧૯૧ વ્યક્તિઓને રૂ .૨,૦૦૦ હપ્તા લેખે રૂ.૨૩,૮૨,૦૦૦ જેટલાની કોઈ અજાણ્યા વ્યક્તિઓ છેતપીંડી, વિશ્ર્વાસઘાત કરી સરકારના ખોટા નાણાં મેળવવા ખોટા દસ્તાવેજો ઉભા કરી આર્થિક લાભ મેળવ્યો હતો. આ કૌંભાંડને પગલે ઉચ્ચસ્તરીય તપાસના ધમધમાટ શરૂ થતાં દાહોદ જિલ્લામાં પીએમ કિશાન યોજનાની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલ આરોપીઓનું નામ માલુમ પડ્યું નથી, પરંતુ ઉચ્ચસ્તરીય તપાસનો દોર શરૂ થતાં હવે આરોપીઓના નામ ખુલવા પામશે તેવુ પ્રતિત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ પી.એમ.કિશાન યોજનાની કામગીરીને લઈ અનેક સવાલો સહિત કૌંભાંડો થતી હોવાની ચર્ચાઓ દાહોદ જિલ્લામાં ભારે ચાલી હતી. બોગસ ખેડુતોની નોંધણી કરાવી બારોબારી સરકારી નાણાંની ઉપાચત થતી હોવાની પણ છડેચોક બુમો ઉઠવા પામી હતી. ત્યારે આ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ હાથ ધરાતાં ઉપરોક્ત કૌંભાંડ સામે આવતા અરજી તપાસકર્તાઓમાં પણ ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે જીતેન્દ્રકુમાર હસમુખભાઈ સુથાર (મુળ રહે.આણંદ અને હાલ રહે.ખેડુત તાલીમ કેન્દ્ર ક્વાર્ટર,દાહોદ) દ્વારા આ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.