દાહોદ પંડિત દિનદયાળ કોલોનીના રહિશોએ પ્રાથમિક સુવિધાના અભાવે મેઈન ગેટને તાળાબંધી કરતા દોડધામ

દાહોદ,

દાહોદ શહેરની પંડિત દિનદયાળ કોલોનીના 480 આવાસોના રહિશો દ્વારા દાહોદ પાલિકાને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા બાબતે અવાર નવાર રજુઆત કર્યા બાદ પણ કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોએ મેનગેટની તાળાબંધી કરી દેતા દોડધામ મચી જવા પામી હતી.

આ વિસ્તારમાં 480 આવાસો વાળી પંડિત દિનદયાળ ઉપાઘ્યાય કોલોનીમાં રહેતા લોકોએ પાલિકામાં વારંવાર કરેલી રજુઆતો બાદ પણ પરિણામલક્ષી કાર્યવાહી ન ધરતા સ્થાનિક લોકોએ તાળાબંધી કરી દીધી હતી. આ વિસ્તારમાં નગરપાલિકાના ડોર ટુ ડોર કચરાના વાહનો સહિત આ વિસ્તારમાં કચરાના ઢગલાઓ ખડકી દેવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા છે. જેને કારણે રોગચાળાની ભિતી પણ વર્તાઈ રહી છે. ત્યારે બીજી તરફ 480 પૈકી 300 જેટલા મકાનોના માલિકોએ પોતાના મકાનો ભાડે આપી દીધા હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે. દાહોદ પાલિકા દ્વારા આ વિસ્તારમાં સુવિધાઓ આપવાની માત્ર મોટી મોટી વાતો પોકળ સાબિત થઈ છે. આ કોલોનીમાં પીવાના પાણી માટે પણ લોકો વલખાઓ મારી રહ્યા છે. આ વિસ્તારમાં પાણીની મોટર બેસાડવામાં આવી છે. મોટર પણ વારંવાર બગડી જાય છે. આ વિસ્તારના આવાસો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે. રળિયાતી નજીક પંડિત દિનદયાળ કોલોનીમાં નાના તેમજ ગરીબ પરિવારના લોકો વસવાટ કરે છે. આ જ કોલોનીમાં નગરપાલિકા દ્વારા સેનેટરી વિભાગના અસ્થાયી સંડાસની ગાડી, ડ્રેનેજની ગાડી, વાહનો, પાણીના ટેન્કરો તેમજ કચરાની ગાડીઓનો ખડકલો કરીને મુકેલો છે. આ કોલોની એક જ બોર ઉપર નિર્ધારિત છે. સાથે સાથે અહિંયા પાણીના કનેકશનો 2017માં નાંખવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી પાણી ન આવતા છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે સંધર્ષ કરી રહ્યા છે. અધુરામાં પુરૂ સ્ટ્રીટ લાઈટ, પારાવાર ગંદકીના ઢગલાઓ, તેમજ નગરપાલિકાના વાહનોમાં મરેલા જાનવરો લાવવામાં આવતા સ્થાનિકોની હાલત બદથી બદ્તર થઈ જવા પામી હતી. જેના પગલે અવાર નવાર પાલિકાના અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેના પગલે વિફરેલા સ્થાનિક રહિશોએ મેઈન ગેટને તાળુ મારી દેતા નગરપાલિકાના રોજીંદા કામમાં આવતા વિભાગના વાહનો કેદ થઈ જવા પામ્યા હતા. જેના પગલે નગરપાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ મામલો વધુ બગડે તે પહેલા જ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેના સ્થાનિકોને નગરપાલિકા મોકલી રૂબરૂ રજુઆત કરવા જણાવ્યુ હતુ. ત્યારબાદ સ્થાનિકોના ટોળા નગરપાલિકા ખાતે ધસી આવ્યા હતા. ચીફ ઓફિસર દ્વારા તેઓને રૂબરૂ મુલાકાત બાદ ચીફ ઓફિસર દ્વારા પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ તેમજ ગંદકીના મુદ્દે ત્વરિત કામગીરી કરવા બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.