દાહોદ પાલિકાના તત્કાલિન સત્તાધિશોના ભ્રષ્ટાચારની તપાસ માટે વીજીલન્સમાં રજુઆત

દાહોદ શહેર આસપાસની જમીનોના એન.એ કોૈભાંડ હાલ ચર્ચાનો વિષય બનેલી છે. ત્યારે દાહોદ નગરપાલિકાના તત્કાલિન સત્તાધિશોએ કરેલા ભ્રષ્ટાચારની વીજીલન્સ તપાસ કરવા માટેની અરજીએ વધુ એક ખળભળાટ મચાવ્યો છે.

આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે,નગર પાલિકાના તત્કાલિન સત્તાધિશો, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન દ્વારા ખુબ મોટાપાયે દાહોદ નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યુ છે. નિયમો અનુસર્યા વગર અને કોઈપણ જાતની મંજુરી કે જાહેર હરાજીની પ્રક્રિયા કર્યા વગર નગરપાલિકાની માલિકીની દુકાનો, શોપિંગ સેન્ટરના ધાબા ગેરકાયદેસર રીતે પોતાના સગા તથા ઓળખીતાઓને આપ્યા છે. કોને કેટલા ભાવે, સરકારના કયા નિયમોના આધારે કે સરકારી મંજુરીને આધિન દુકાનો ફાળવી છે ? તે જાણ્યેથી જ ન્યાય શકય બને તેમ છે. નગરપાલિકા નગર રચના યોજનામાં મળેલા પ્લોટો તથા રોડ નાના કરવાના કિસ્સામાં પણ સામેલ છે. પાલિકાના ઠરાવો કરીને પાલિકાના પ્લેટોને બિલ્ડરોને આપી દેવાયા હોવાના આક્ષેપ કરાયો છે. કર્મચારીઓને પ્રમોશન આપવા સાથે ભરતીમાં પણ ગેરરિતી આચરી છે. આ તમામ બાબતોની પાલિકામાંથી માહિતી મંગાવી નિષ્પક્ષ તથા તટસ્થ તપાસ થવી જરૂરી છે.