
દાહોદ શહેરમાં નગરપાલિકા હસ્તકના સફાઈ કર્મચારીઓએ પોતાની વિવિધ 14 માંગણીઓના નિરાકરણ માટે દાહોદના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યાં બાદ પણ તેઓના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન કરવામાં આવતાં આજરોજ સફાઈ કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરમાં રેલી કાઢી પોતાના કામકાજથી અળગા રહી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયાં હોવાનું જાણવા મળે છે.
અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા થોડા દિવસો પહેલા દાહોદના મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, પોતાની વિવિધ 14 માંગણીઓ જેમાં સફાઈ કર્મચારીઓને ગ્રેજ્યુએટીના નાણાં ટુંક સમયમાં ચુકવવામાં આવે, ખાલી પડેલ જગ્યામાં ભરતી પ્રક્રિયા શરૂં કરવામાં આવે, પગાર સંબંધિત કાર્યવાહી ઝડપી કરવામાં આવે, લઘુત્તમ વેતન ચુકવવામાં આવે, 7માં પગાર પંચનો લાભ આપવામાં આવે, આકસ્મીક વિમો ચુકવવામાં આવે, સફાઈ કર્મચારીઓને ગણવેશ આપવામાં આવે, સફાઈ કર્મચારીઓને સફાઈમાં વપરાતા સાધનો પુરા પાડવામાં આવે, ઈપીએફ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે, દર મહિને નિયમીત પગાર ચુકવવામાં આવે, સફાઈ કર્મચારીઓને ક્વાટર્સ ફાળવવામાં આવે, સુખદેવ કાકા કોલોની પાછળ આવેલ ગટરો નવીન બનાવવામાં આવે અને સ્વ. સબુરભાઈ કડવાભાઈ પરમારની વિધવાને પેન્શન નીયમ મુજબ ચુકવવામાં આવે જેવી માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપી જો સત્વરે અને તાત્કાલિક ધોરણ ઉપરોક્ત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી સાથે જો પોતાની માંગણીઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આજરોજ સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાના કામકાજથી અળગા રહી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયાં હતાં. અને શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી દાહોદ નગરપાલિકા ચોક ખાતે પહોંચી હતી.
દાહોદના સફાઈ કામદારો દ્વારા પોતાની 14 જેટલી વિવિધ માંગણીઓ સંદર્ભે આજરોજ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી દાહોદ શહેરમાં રેલી કાઢી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખને રજુઆત કરવા ગયાં હતા. જ્યાં ચીફ ઓફિસર તેમજ પાલિકાના ઉપપ્રમુખ દ્વારા અખિલ ભારતીય શ્રમિક સંઘ તેમજ દાહોદના સફાઈ કામદારોની રજુઆતો તેમજ માંગણીઓ સાંભળ્યાં બાદ વિવિધ 14 પૈકી 06 માંગોને નિરાકરણ લાવતાં સફાઈ કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ત્યારે અન્ય માંગણીઓને વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે, તેવી ચીફ ઓફિસર તેમજ પાલિકાના ઉપપ્રમુખ દ્વારા સફાઈ કર્મચારીઓને આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. પોતાની 06 માંગણીઓ પુર્ણ થતાં સફાઈ કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટી લીધી હતી.