દાહોદ, ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર એલર્ટ બની છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા લોકોને સલામત જગ્યાએ ખસેડવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ શહેરી વિકાસ નિર્માણ બોર્ડ દ્વારા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા 14 જેટલા ચીફ ઓફિસરોને દરિયાકાંઠાના વિસ્તારોમાં મદદ માટે મોકલવામાં આવ્યા છે. જે પૈકી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઓખા ખાતે તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે, તો બીજી તરફ દાહોદ પંચમહાલ તેમજ આણંદના ફાયર બ્રિગેડને વેરાવળ કિનારે રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે વાવાઝોડું આવે તે પહેલા જ પરિસ્થિતિ વધુ વણસી જવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની અસરના પગલે પાણી આવે તે પહેલા જ પાળ બાંધવાની નીતિ અપનાવી અને NDRF SDRF કોસ્ટ ગાર્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ પોલીસ તંત્રને સાબદુ કરી દીધું છે, તેમજ સુરક્ષા એજન્સીઓની સંખ્યાબંધ ટુકડી પણ અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ મોડમાં ઊભી કરી દેવામાં આવી છે. તો વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજ્ય સરકારે કેટલી ટીમોને સ્ટેન્ડ બાય પણ કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની અસર બાદ અથવા અસર દરમિયાન મોટું નુકસાન ન પહોંચે તે માટે રાજ્ય સરકાર તેમજ વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે, તો બીજી તરફ શહેરી વિકાસ નિર્માણ બોર્ડ દ્વારા રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર દરિયાકાંઠા વિસ્તારોમાં વહીવટી તંત્રની મદદ અર્થે 14 જેટલા જુદી જુદી નગરપાલિકાઓમાં કાર્યરત ચીફ ઓફિસરોને 15 દિવસ માટે એટલે કે 30 જૂન સુધી તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે. જેમાં દાહોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા યશપાલસિંહ વાઘેલાને ગુજરાતમાં દરિયાકાંઠામાં અત્યંત ભયજનક ગણાતા ઓખા મંડળમાં મદદ અર્થે મોકલવામાં આવ્યા છે. તાત્કાલિક અસરથી નિમણૂક પામેલા યશપાલસિંહ વાઘેલા સહિત તમામ 14 ચીફ ઓફિસરો તેમણે નિમણૂક કરેલી જગ્યાએ હાજર થવા તાકીદ કરવામાં આવી છે અને 30 જૂન સુધી નિમણૂક કરેલી જગ્યાએ કામગીરી કર્યા બાદ પહેલી જુલાઈ થી તેમની નિયત જગ્યા ઉપર પરત મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ દાહોદ ફાય બ્રિગેડ માં ફરજ બજાવતા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન તેમજ અન્ય ફાય બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને આજરોજ પંચમહાલ તેમજ આણંદ ફાયર બિગેડની સાથે વેરાવળ ખાતે રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યા છે.