દાહોદ પાલિકા દ્વારા ગટર કનેકશન આપ્યા વગર ભૂર્ગભ ગટરનના વેરા સાથેનું ટેકસ બીલ નગરજનોને પધરાવતા નગરજનોમાં રોષ

દાહોદ, દાહોદ નગરપાલિકાના સત્તાધીશોનો વેરો વસૂલવાના મામલે આ તે કેવો વહીવટ? ભૂગર્ભ ગટરના કનેક્શન આપવાના ઠેકાણા નથી અને ભૂગર્ભ ગટરના કનેક્શન તેમજ ભૂગર્ભ ગટરના વેરા સાથેનું ટેક્સ નું બિલ નગરજનોને પધરાવવામાં આવતા નગરજનોમાં ભારે રોષ.

ભૂગર્ભ ગટરના કનેક્શનનો આપી સમગ્ર દાહોદ શહેરને ગટર મુક્ત બનાવવાનો પાલિકાની જનરલ બોર્ડની મીટીંગમાં સર્વાનુમતે પાસ કરાયેલો ઠરાવ બે વર્ષ પછી પણ માત્ર કાગળ પર રહી જતા અને કનેક્શનોના સરકાર માંથી આવેલા રૂપિયા પૂરેપૂરા વપરાઈ જતા અને કનેક્શનનો આપવાના બાકી રહી જતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું છે અને આ મામલે પાલિકાના સત્તાધિશોના આવા વહીવટ સામે અનેક પ્રશ્ર્નાર્થો ખડા થયા છે.

સમગ્ર દાહોદ શહેરમાં ભૂગર્ભ ગટરના કનેક્શનનો પૂરા કરવા માટે દાહોદ પાલિકાએ પ્રાદેશિક કમિશનરની કચેરી વડોદરાથી તાંત્રિક તેમજ વહીવટી મંજૂરી મેળવી અને આખા દાહોદ શહેરમાં ભૂગર્ભ ગટરના કનેક્શનનો આપી ગટરમુક્ત દાહોદ કરવા માટેનો ઠરાવ નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગમાં થયો હતો અને તે માટે 15 માં નાણાપંચમાંથી રૂપિયા 6 કરોડ મેળવ્યા હતા. આ રકમ લગભગ પૂરેપૂરી વપરાઈ ગઈ હોવાનું પણ ચર્ચા રહ્યું છે. ત્યારે શહેરમાં 35 થી 40% જેટલા બાકી રહેલા કનેક્શનો પણ તેમાંની કેટલીક રકમની હયગય થયાની સાક્ષી પુરી રહ્યા છે. આમ જોઈએ તો દાહોદ નગરપાલિકા વિસ્તારમાં બિન સત્તાવાર રીતે અંદાજે 27,000જેટલા મકાનો હોવાનું કહેવાઈ રહ્યું છે અને ઘર દીઠ એક કનેક્શન ગણીએ તો 27000 કનેક્શનો થાય અને કનેક્શન દીઠ રૂપિયા 2000/-ગણીએ તો પણ 27000 કનેક્શનોના કુલ રૂપિયા પાંચ કરોડ ચાલીસ લાખ થાય. પરંતુ અહીં તો 35 થી 40% જેટલા કનેક્શનો તો બાકી છે. તો બાકીના બીજા પૈસા ગયા ક્યાં? તે એક સળગતો પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો છે.

સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરના મુખ્ય 11 માર્ગો સ્માર્ટ રોડ બનાવવાના હોય તે રસ્તા પૈકી બધા જ રોડ ઉપર ભૂગર્ભ ગટરના કનેક્શન બાકી હોવાનું જીલ્લા કલેકટરને ધ્યાને આવતા સ્માર્ટ સિટી ઓથોરિટીને બાકી રહેલા કનેક્શનો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા માટે આદેશ આપવામાં આવ્યો. હવે તે ટેન્ડરિંગ થશે અને વર્ક ઓર્ડર મળશે ત્યાં સુધી શહેરીજનોએ દાહોદ ગટર મુક્ત બનવાની રાહ જોવી પડશે તે કોના પાપે?

આ ભૂગર્ભ ગટરનું કનેક્શન સાથેનું કામ તારીખ 8-9-2022 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. હાલમાં35 થી 40% કનેક્શનો આપવાના બાકી છે. હાલ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ વેરાબીલમાં ભૂગર્ભ ગટરના કનેક્શનનો ચાર્જ તથા ગટરવેરો પણ દર્શાવવામાં આવ્યો છે. આ મામલે શહેરીજનોમાં રોષ ફેલાતા પાલિકા દ્વારા વેરા પાવતીમાંથી તે રકમ બાદ કરી આપવાનું નક્કી કરવામાં આવ્યાનું લોકોમાં થતી ચર્ચા પરથી જાણવા મળ્યું છે. નગરપાલિકા દ્વારા વેરા બિલ માંથી ભલે તે રકમ વસૂલવામાં નહીં આવે પરંતુ સરકારી રેકર્ડમાં પડેલ તે રકમની એન્ટ્રી કાઢી શકાય તેમ નથી તો આ નહીં ભરેલા નાણા નું વ્યાજ ગણવામાં નહીં આવે તેની ખાતરી શું? તેવો નગરજનોનો ગણગણાટ છે.