દાહોદ પાલિકા દ્વારા ફાયર સેફટીની સુવિધા વગરના 7 હાઈરાઈઝ બિલ્ડીંગો અને કોર્મશીયલ ભાગને સીલ કર્યા

દાહોદ,

અમદાવાદના શાહીબાગ ગીરધર નગર સર્કલ પાસે બે દિવસ અગાઉ ઓર્ચિડ ગ્રીન ફ્લેટ નામક હાઈરાઇઝ બિલ્ડિંગના સાતમા માળે સવારના સવા સાત વાગ્યાના આસપાસ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. જેમાં પરિવારના સદસ્યો પોતાનું જીવ બચાવીને બહાર આવી ગયા હતા. પરંતુ આગની જવાળાઓમાં ફ્લેટમાં ફસાઈ જતા 17 વર્ષીય પ્રાંજલનું મોત નીપજયું હતું. જે ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. શરૂઆતી અનુમાનમાં ગેસ ગીઝર ફાટ્યો હોવાના લીધે આ આગનો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ આગના બનાવ બાદ તાબડતોડ ઘટના સ્થળે આવેલી ફાયર બિગ્રેડની ટીમ દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, અડધા કલાક સુધી બબ્બે ફાયર ફાઈટરના સ્નોરકેલ ના ખુલતા આગના બનાવમાં પ્રાંજલનું મોત થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આ આગની ઘટના બાદ સરકાર તેમજ ફાયર વિભાગ દ્વારા બોધપાઠ લઈ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સંસાધનો છે કે નહીં તે અંગેની રાજ્યભરમાં તપાસો હાથ ધરવા ફાયર બ્રિગેડને નિર્દેશો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત દાહોદ શહેરમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરી 7 ઠેકાણે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં કોમર્શિયલ ભાગને સીલ કરવામાં આવ્યા છે. તેમજ રહેણાંક ગણાતા ડોમેસ્ટિક બિલ્ડીંગમાં ફાયર સેફટીના સંસાધનો વસાવવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી તેમજ ફાયર સેફટીના સંસાધનોના અભાવ ધરાવતી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં વસવાટ કરતા લોકોને સંસાધનો વસાવવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.

સ્માર્ટ સીટી દાહોદમાં નવા નવા વિસ્તારો અસ્તિત્વમાં આવી રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડીંગો નિર્માણ પામી રહી છે. જેના પગલે દાહોદ શહેર હવે ધીમે ધીમે મહાનગર તરફ પ્રયાણ કરી રહ્યો છે. જેમાં દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અસ્તિત્વમાં આવી રહેલી નિર્માણાધીન બિલ્ડીંગો તેમજ ભૂતકાળમાં નિર્માણ પામેલી હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સંસાધનો લગાવવામાં આવ્યા છે કે નહીં ? તે અંગે દાહોદ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરી ફાયર સેફટીના સંસાધનો વસાવવા માટે છેલ્લા ઘણા સમયથી નોટિસો આપવામાં આવી રહી છે. જોકે તાજેતરમાં જ બે દિવસ અગાઉ અમદાવાદના શાહીબાગ આર્ચિડ ગ્રીન ફ્લેટની બિલ્ડીંગના સાતમા માળે આગ લાગવાના બનાવમાં 17 વર્ષીય પ્રાંજલનું આગની લપટોમાં ઝૂલસી મોતને ભેટવાનો બનાવ બનતા સમગ્ર ગુજરાત સહિત સરકાર પણ હચમચી ગઈ છે. જેના પગલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સંસાધનો અંગે ચેકીંગ હાથ ધરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ત્યારે દાહોદમાં ફાયર બ્રિગેડ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ તેમજ રેસીડેન્સિયલ હાઇરાઇઝ બિલ્ડીંગો તેમજ ઈમારતોમાં ફાયર સેફટીના સાધનો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભૂતકાળમાં હાઈરાઈઝ બિલ્ડીંગ ધારકોને નોટિસો આપ્યા બાદ પણ ફાયર સેફટીના સંસાધનો ન વસાવતા ફાયર બ્રિગેડ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ તેમજ રેસીડેન્સીયલ બિલ્ડીંગોમાં તપાસ હાથ ધરી સાત ઠેકાણે કોમર્શિયલ ભાગોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ રેસિડેન્સીયલ બિલ્ડીંગમાં સત્વરે ફાયર સેફ્ટીના સંસાધનો વસાવવા તાકીદ કરવામાં આવી હતી અને જે વિસ્તારોમાં ફાયર બ્રિગેડની સુચના અને નિર્દેશો બાદ પણ ફાયર સેફટીના સંસાધનો ઇન્સ્ટોલ નહીં કરાવશે તેના સામે કાયદાકીય પગલાં લેવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ સિટી દાહોદમાં આકાર પામી રહેલી નવી નવી નિર્માણાધીન બિલ્ડીંગોમાં કેટલાક બિલ્ડરો દ્વારા પહેલે થી જ ફાયર સેફટીના સંસાધનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. જોકે, ભૂતકાળમાં નિર્માણ પામેલી કેટલીક બિલ્ડીંગોમાં બિલ્ડર દ્વારા ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ ન કરતા તે બિલ્ડીંગ માલિકોને તેમજ તેમાં વસવાટ કરતા પરિવારોને ફાયર સેફ્ટીના સંસાધનો સત્વરે વસાવી લેવા તાકીદે સૂચના આપવામાં આવી રહી છે. જોકે અમદાવાદ ખાતે થયેલી આગના બનાવ બાદ સો કોઈ માટે એક બોધપાઠ છે કે પોતાની અને અન્યની જાનમાલ તેમજ સેફટીને ધ્યાને લઈ પોતાના રહેણાક તેમજ કોમર્શિયલ વિસ્તારમાં ફાયર સેફ્ટીના સંસાધનો ચોક્કસ લગાવવા જોઈએ. નાગરિકોને સુવિધા આપવા એકલા વહીવટી તંત્ર કે ફાયર બ્રિગેડની જવાબદારી નથી, પરંતુ હાઈરાઇઝ બિલ્ડીંગનું નિર્માણ કરનારા બિલ્ડરો તેમજ તેમાં વસવાટ કરતા પરિવારજનોની પણ નૈતિક જવાબદારી છે કે પોતાની સેફ્ટીને ધ્યાને લઈ ફાયર સેફટીના સંસાધનો વસાવે જે સૌ કોઈના હિતમાં છે.