દાહોદ,દાહોદ પડાવ, ભવાની સ્વીટ્સની બાજુમાં ટોપી વેચવા બાબતે ફુટપાથ પર હાથલારી ગોઠવી ધંધો કરનારા લોકો વચ્ચે થયેલ ઝઘડામાં લોખંડનો સળીયાનો માર તથા ગેબી માર મારતાં ત્રણ જણાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગારખાયા રાવળીયા વાડમાં રહેતા વિકાસભાઈ દિનેશભાઈ રાવળ તથા રાવળીયાવાડમાં રહેતા મનોજભાઈ શંકરભાઈ રાવળ તે બંને જણા દાહોદ પડાવ, ભવાની સ્વીટ્સની બાજુમાં ફુટપાથ પર હાથલારી ગોઠવી ટોપી, માસ્ક વગેરે વેચવાનો ધંધો કરતા હોઈ તે બે વચ્ચે સાંજના સુમારે ટોપી વેચવા બાબતે બોલાચાલી ઝઘડો થતાં વિકાસભાઈ રાવળને મનોજભાઈ શંકરભાઈ રાવળ, કૃષ્ણભાઈ શંકરભાઈ રાવળ તથા પ્રેમ અનીલભાઈ રાવળે બેફામ ગાળો બોલી કૃષ્ણભાઈ રાવળે વિકાસભાઈ રાવળને જમણા હાથે તથા કપાળના ભાગે જમણી બાજુ લોખંડનો સળીયો મારી લોહીલુહાણ કરી ચેતનભાઈ શંકરભાઈ રાવળ તેમજ સત્યમભાઈ રાજેન્દ્રભાઈ રાવળને ઉપરોક્ત ત્રણે જણાએ ભેગા મળી ગડદાપાટુનો ગેબી મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે દાહોદ પડાવ, રાવળીયાવાડમાં રહેતા ઈજાગ્રસ્ત વિકાસભાઈ દિનેશભાઈ રાવળે નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસે ઈપિકો કલમ 323, 324, 504, 506(2), 114 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.