દાહોદ જીલ્લાના ફતેપુરાના હિન્દોલીયામાં નિવૃત બીએસએફ જવાનને જમીન મુદ્દે હેરાન કરી તેને અને તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં પોલીસ કર્મીને કડક સજાની માંગ સાથે નિવૃત પેરામિલેટ્રી સંગઠન દ્વારા કલેક્ટર, એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લાના ફતેપુરાના હિન્દોલીયા ગામના નિવૃત બીએસએફ જવાનને પોલીસ કર્મચારી દ્વારા જમીનની નજીવી બાબતમાં નિવૃત જવાન અને પરિવારને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આ બાબતે નિવૃત જવાને ગુજરાત નિવૃત પેરામિલેટ્રી સંગઠનના પ્રદેશ પ્રમુખને જાણ કરતાં દાહોદ કલેક્ટર, એસપીને લેખિત રજુઆત કરી નિવૃત જવાનને હેરાન કરનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પેરામિલેટ્રી સંગઠનના પ્રદેશ દિપેશભાઈ પટેલ પ્રમુખ અને શહીદ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના ઝોન પ્રમુખ વીરાભાઈ, દાહોદ જીલ્લા ઉપપ્રમુખ રાવતભાઈ દ્વારા દાહોદ કલેક્ટર અને એસપીને કરેલી રજુઆતમાં જણાવ્યાં અનુસાર, હિન્દોલીયાના નિવૃત બીએસએફ જવાન નરવતભાઈ અને તેમના પરિવારને જમીન બાબતે પોલીસ કર્મચારી દ્વારા પોતાની નોકરીનો રૂઆબ બતાવી અપશબ્દો બોલી, માનસિક ત્રાસ આફી અને ખોટા કેસમાં જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી તેમજ કાયદાનો હું જાણકાર છુ જેથી એવા કાયદા લગાવીશ કે જેલથી બહાર નીકળવું ભારે પડી જશે, અવાર નવાર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતાં પીડિત જવાન દ્વારા સંગઠનને લેખિત જાણ કરવામાં આવી હતી. જે આધારે જેણે દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપેલ હોય તેવા પેરામિલેટ્રી જવાનના ન્યાય માટે દાહોદ કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરી પોલીસ જવાન ઉપર વિભાગીય કાર્યવાહી કરી કડક સજાની માંગ કરવામાં આવી હતી.