દાહોદ, દાહોદ તાલુકાના નાની ખરજ ગામે બસ સ્ટેશન પાસે રસ્તા પરથી શંકાસ્પદ લાગતી ત્રણ મહિલાઓને ઝડપી પાડી તેઓની પાસેના પ્લાસ્ટીકના મીણીયાના થેલાની તલાસી લઈ થેલાઓમાંથી રૂા. 31 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કબજે લઈ દાહોદ તાલુકા પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલે સાંજે છ વાગ્યાના સુમારે તાલુકા પોલીસ મથકની હદના વિસ્તાર એવી નાની ખરજ ગામે પેટ્રોલીંગમાં હતી. તે વખતે પોલીસની ગાડી જોઈ નાની ખરજ ગામે બસ સ્ટેન્ડ પાસેના રસ્તા પર સરસામાન ભરેલ મણીયાના થેલાઓ લઈ ઉભેલ ત્રણ મહિલાઓ આઘીપાછી થવા લાગતાં પોલીસને તે ત્રણે મહિલાઓની હીલચાલ શંકાસ્પદ લાગતાં પોલીસે તે ત્રણે મહિલાઓ પાસેના સરસામાન ચેક કરતા તે મહિલાઓ પાસેના પ્લાસ્ટીકના મીણીયાના થેલાઓ માંથી રૂા. 31,620/-ની કુલ કિંમતના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-310 પકડી પાડી કબજે લઈ પુછપરછ કરતા તે મહિલાઓ વરમખેડા, કુવા ફળિયાની શીલાબેન ઉદેસીંગ સુકીયાભાઈ પરમાર, (ઉ.વ.18) ઝાલોદના મલવાસી ગામની 35 વર્ષીય દક્ષાબેન સુભાષભાઈ મહેન્દ્રભાઈ ડીંડોર તથા નાની ખરજ કોતેડા ફળિયાની 50 વર્ષીય સુનાબેન કનુભાઈ લલ્લુભાઈ માવી હોવાનું જણાવી તેઓ વડોદરા, રણોલી, રામાનગર ખાતે કામ કરતા હોઈ અને ત્યાં દારૂનું છુટક વેચાણ કરવા સદર દારૂના જથ્થા મધ્યપ્રદેશના સેજાવાડા ગામના દારૂના ઠેકા પરથી ખરીદી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણે મહિલાઓ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.