દાહોદની દીકરીના હત્યારાને ફાંસી અપાવી શકશો દાદા? : રાજકોટમાં AAPનો CMના પોસ્ટર અને બંગડી સાથે વિરોધ

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે અડપલાં કરી હત્યા નિપજાવનારા આરોપી આચાર્યને ફાંસી આપવાની માગ સાથે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથેના પ્લેકાર્ડમાં લખ્યું હતું કે, 6 વર્ષની દીકરી સાથે હેવાનિયત કરનાર આરોપીને ફાંસી અપાવી શકશો દાદા? આ સાથે જ ભાજપના નેતાઓને નામર્દ કહી બંગડી બતાવી હતી.

CMના ફોટો સાથેના પોસ્ટરથી વિરોધ નોંધાવ્યો

આજ રોજ (30 સપ્ટેમ્બર) રાજકોટના કિશાનપરા ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા દાહોદની ઘટના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આપના કાર્યકરોએ મુખ્યમંત્રીના ફોટો સાથેના પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો હતો. ‘કહેવાતી, ભરોસાની ભાજપ સરકાર’, ‘6 વર્ષની દીકરી સાથે હેવાનિયત કરનાર આરોપીને ફાંસી અપાવી શકશો દાદા?’, ‘માસૂમ દીકરીના હત્યારાને ફાંસી આપો’ જેવી લાઈનો સાથેનાં પોસ્ટર સાથે આપના કાર્યકર્તાઓ રોડ પર ઊતર્યા હતા. ઉપરાંત ભાજપના ચૂંટણી ચિહ્નને ઊલટું બતાવતું પોસ્ટર દેખાડવામાં આવ્યું હતું. રોડ ચક્કાજામ કરવામાં આવતા પોલીસે મહિલાઓ સહિતના 16 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.

આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રેસિડેન્ટ રાજલબેન ગઢવીએ જણાવ્યું હતુ કે, જો 1500 કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં રહેલી તબીબ દીકરીને ન્યાય આપવા સત્તાધારી પક્ષ જતો હોય તો આ તો ગુજરાતની દીકરી છે. દાહોદની 6 વર્ષની બાળકી સાથે અડપલાં કરી હત્યા કરાનારા નરાધમ આચાર્યને ફાંસી આપવી જોઈએ તેવી માગ છે. આ સમયે હું પૂછવા માગું છું કે પશ્ચિમ બંગાળની દીકરીને ન્યાય અપાવવા નીકળેલો મહિલા મોરચો અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રિવાબા જાડેજા ક્યાં સૂતાં છે? શું ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે બહાર નહિ નીકળે?