દાહોદ નજીક નેશનલ હાઈવે પર આઇસર ટેમ્પોની અડફેટે બાઈક ચાલકનું પ્રાણપખેરૂ ઉડ્યા

દાહોદ,દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક આઇસર ગાડીની અડફેટે ઇજાગ્રસ્ત થયેલા મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતેના રહેવાસી મીત મુકેશભાઈ ગાંધી ગતરોટ 03.09. 2023 નારોજ સાંજના સાડા સાત વાગ્યાના સુમારે પોતાના કબજા હેઠળની Gj-02-08-CL-3287 નંબરની મોટરસાયકલ દાહોદ નજીક મહિન્દ્રા શોરૂમની સામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે Gj-02-ZZ-4256 નંબરના આઇસર ગાડીના ચાલકે મીતભાઈ ગાંધીની મોટરસાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મિતભાઈ ગાંધી ફગોળાઈને જમીન પર ફટકાતા તેઓના શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, બનાવ બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત સમિત ગાંધીને 108 મારફતે નજીકના હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ઉપરોક્ત વ્યક્તિનું મોત નીપજતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.

ઉપરોક્ત બનાવ સંદર્ભે મૂળ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના અને હાલ લક્ષ્મી નગર રળીયાતી ખાતેના રહેવાસી કિરણ મથુરભાઈ ખડાતીયાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ એ ડિવિઝન પોલીસે આઇસર ટેમ્પો ચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.