દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર પુરપાટ આવતી ઈનોવા કાર બાઈક સવારને લીધા બાદ પલ્ટી મારી: ચાલકનું મોત, બે ઈજાગ્રસ્ત

  • ઝાલોદ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું માર્ગ અકસ્માતમાં મોત : બાઈક સવાર કાકા ભત્રીજા ઇજાગ્રસ્ત.

દાહોદ,

દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર સતી તોરલ હોટલ સામે માર્ગ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. જેમાં પૂરઝડપે આવી રહેલી ફોરવીલર ગાડીના ચાલકે બે બાઈક સવારોને અડફેટે લીધા બાદ થોડે દૂર જઈ ચાલકે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવહીલ ગાડી પલટી મારતા ચાલકનું જીવલેણ ઈજાઓના લીધે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.જયારે બાઈક સવાર ઈજાગ્રસ્ત ઈસમોને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

અમદાવાદ નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોની વણથંબી વણઝાર જોવા મળી રહી છે. વાહન ચાલકોની ગફલત તેમજ ઝડપના કારણે માર્ગ અકસ્માતના બનાવોએ માઝા મુકતા આ નેશનલ હાઇવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. ત્યારે વીતેલા 24 કલાકમાં આ નેશનલ હાઈવે પર જુદાજુદા ત્રણથી ચાર માર્ગ અકસ્માતના બનાવોની સહી હજી સુખાઈ નથી. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ બનવા પામતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પુન: ચર્ચામાં આવ્યો છે. ઝાલોદ તાલુકાના કારઠ તાલુકા પંચાયતના સભ્ય તેમજ ઝાલોદ તાલુકા પંચાયતમાં સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ગૌતમભાઈ પંસરિયા પોતાના કબ્જાની Gj-05-JR-5000 નંબરની સિલ્વર કલર ની ટોયોટા ઇનોવા ગાડીને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પૂર ઝડપે તેમજ ગફલત રીતે હંકારી લાવી કઠલા થી બાઇક પર મજૂરી અર્થે સુરત મુકામે જઈ રહેલા નવાગામ ફળિયાના બાબુ ગુલચંદ મેડા,અમુભાઈ હવજીભાઈ મેડા સહિતના કાકા ભત્રીજાને લક્ષ્મી હોટલ નજીક અડફેટે લીધા બાદ પોતાનું વાહન બેફિકરાઈ રીતે હંકારી લઈ જઈ કાળી તળાઈ નજીક સતી તોરલ હોટલની સામે પ્રકાશ પંસેરીયાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઈનોવા ગાડી એકાએક પલટી મારતા કારમાં સવાર પ્રકાશભાઈ ને જીવ લઈને જાઓ પહોંચતા તેઓના ઘટના સ્થળે જ પ્રાણ પખેરૂ ઉડી ગયા હતા.તો બીજી તરફ ઇંનોવા ગાડીની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા બન્ને ઈસમોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, માર્ગ અકસ્માતના બનાવની જાણ વાયુવેગે દાહોદ ગ્રામ્ય પોલીસને થતા ઇન્ચાર્જ એસ પી જગદીશ બાંગરવા તેમજ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ નયનસિંગ પરમાર તેમજ પોલીસના જવાનો તાબડ તોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પ્રકાશ પંસેરીયાની લાશનો કબજો મેળવી પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતો. ત્યારબાદ પોલીસે અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી ઇનોવા ગાડીને ક્રેન મારફતે રસ્તા પરથી ખસેડી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મરણ જનાર પ્રકાશ પસેરીયા વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બોકસ: ખંગેલાથી બાઈક પર સુરત જઈ રહેલા કાકા ભત્રીજા ઇનોવાની અડફેટે ઇજાગ્રસ્ત:બન્નેને સારવાર અર્થે ખસેડાયા

દાહોદ તાલુકાના ખંગેલા નવા ફળિયાના રહેવાસી નવાગામ ફળિયાના બાબુ ગુલચંદ મેડા,અમુભાઈ હવજીભાઈ મેડા સહિતના કાકા ભત્રીજા બાઈક ઉપર સુરત મુકામે મજૂરી અર્થે જવા કઠલાથી નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં લક્ષ્મી હોટલ પાસે પુરપાટ આવી રહેલા ઇનોવા ગાડીના ચાલક પ્રકાશ પંસેરીયાએ બંને કાકા ભત્રીજાને અડફેટમાં લીધા હતા. જેના પગલે તેઓ જમીન પર ફાંગોલાતા તેઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.