દાહોદ,દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત આ સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ આવતા દબાણોને દૂર કરવા માટે દાહોદ નગરપાલિકાએ કેટલાક વેપારીઓને નોટીસો ફટકારી તેમના દ્વારા કરેલ દબાણ ચાર દિવસની અંદર દૂર કરવા માટે જણાવવામાં આવ્યું છે એને તેને લઈને વેપારીઓ એક તરેહનો ફફડાટ તેમજ અસમંજસ્તા અનુભવી રહ્યા છે.
દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત 10 જેટલા વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 54.7 કરોડના ખર્ચે આ વિવિધ 10 સ્માર્ટ રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ભરપોડા સરસ્વતી સર્કલથી બાબા આંબેડકર ચોક સુધી સ્માર્ટ રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ ગોધરા રોડથી બિરસા મુંડા સર્કલ સુધી સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી અંતર્ગત આ સ્માર્ટ રોડમાં અવરોધરૂપ દબાણો દૂર કરવા દાહોદ નગરપાલિકાએ વેપારીઓને નોટિસ ફટકારી છે, તો બીજી તરફ શહેરના ગોદીરોડ વિસ્તારમાં પણ દબાણ કરતા વેપારીઓને દાહોદ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા નોટિસ આપ્યાના ચાર દિવસની અંદર રસ્તામાં અવરોધરૂપ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવાયું છે. જો આ ચાર દિવસમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસોમાં કયા દુકાનદાર દ્વારા કેટલું દબાણ કરવામાં આવ્યું છે અને દુકાનદારને કેટલું દબાણ ખુલ્લું કરવાનું છે. એ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી નગરપાલિકાના જણાવ્યા અનુસાર માર્કિંગ કરેલી જગ્યા દબાણમાં હોવાનું સામે આવ્યું છે. જે દૂર કરવા માટે નોટીસો તો ફટકારવામાં આવી છે, પરંતુ અંજુમન દવાખાનાની સામેની લાઈન વાળા મિલકતદારોને નોટિસો તો મળી છે, પરંતુ કેટલું દબાણ છે અને કઈ જગ્યા ઉપર માર્કિંગ કરવામાં આવ્યું છે તે પણ દેખાતું નથી. અધુરામાં પૂરૂં પ્રાઇવેટ મિલકત ધારકને પણ પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને જણાવાયું છે કે તમારી મિલકત અંગેના આધાર પુરાવા નગર પાલિકામાં રજૂ કરો જો તમારી જમીનમાં કોઈ દબાણ નહીં હશે અને પોતાની માલિકીની હશે તો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમ મિલકતદારોને કહેવામાં આવ્યું છે. ત્યારે પાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસોને લઈને દુકાનદારોમાં તેમજ મિલકતદારોમાં એક પ્રકારના ફફડાટની સાથે નોટીસોને લઈ અસમંજસતા પેદા થવા પામી છે. ત્યારે આ મામલે પાલિકા તંત્ર શું કરે છે અને મિલકતદારો કયા આધાર પુરાવા રજૂ કરે છે તે જોવું રહ્યું.